પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનતા ફળી !
૨૯૯
 


ઈજાર પર જામતા ધૂળના થથેરા વડે જે દીદાર સરજાતા એ ઉપરથી તો ગામમાં મેલાંઘાણ માણસ માટે ‘જુસ્બા ઘાંચી જેવો ઓઘરાળો’નો શબ્દપ્રયોગ પણ પ્રચલિત બન્યો હતો. એ ઓઘરાળા જુસબે આજે કડકડતાં નવાં કપડાંમાં દર્શન દીધાં તેથી ગોબરને નવાઈ લાગી.

જુસબે કાંખમાં એક નાનકડું બાળક તેડ્યું હતું તેથી ગોબરને લાગ્યું કે ગામ આખું અહીં ફૂટતા ટોટાના બમગિલોલા જોવા આવી ગયું, એમ જુસબ પણ વિલાયતી દારૂની આ આતશબાજી જોવા આવ્યો હશે. પણ ત્યાં તો એની પાછળ મરિયમ પણ આવતી દેખાઈ. મરિયમે તો વળી જરી–કસબનો આબો પહેર્યો હતો તેથી ગોબરને વધારે નવાઈ લાગી, ના ના, આ લોકો કાંઈ આતશબાજી જોવા નથી આવ્યાં. આ તો કોઈ પીરના ઉરસમાં જતાં હોય એવાં કપડાં પહેરીને નીકળ્યાં છે.

જુસબના હાથમાં બાળક અને મરિયમના હાથમાં રૂમાલ વીંટેલું પોટકું જોઈને સંતુને એમના આગમનનું પ્રયોજન સમજતાં વાર ન લાગી.

‘મરિયમ તો સતીમાને થાનકે આવી છે, એના છોકરાની માનતા ઉતારવા.’

ગોબર તો આ દંપતીના મરક મરક થતા પુલકિત ચહેરા તરફ તાકી જ રહ્યો અને એમની આ ભાવુકતાને મનમાં ને મનમાં અંજલિ આપી રહ્યો.

આ કૂવો કેટલા હાથ ઊંડો ગયો, હજી બીજા કેટલા હાથ ઉતારવો છે, કેટલો સમય લાગશે, વગેરે ઔપચારિક વાતચીત કરીને જુસબ થાનક ભણી આગળ વધ્યો. મરિયમે સંતુ જોડે થોડી સુખદુ:ખની વાત કરી. સંતુએ મરિયમના છોકરાનાં વખાણ કર્યાં અને પછી થાનક ભણી જઈ રહેલી આ શ્રદ્ધાળુ માતાને અસીમ અહોભાવથી અવલોકી રહી.

કૂવાના મંડાણ પર બેસીને ગડાકુ ફૂંકી રહેલા ગોબરે થોડી વારે