પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૦
લીલુડી ધરતી
 

સંતુને કહ્યું :

‘મરિયમની માનતા ફળી ખરી ! જુસબને માથે આવા દુકાળિયા વરહમાં સતીમાનું છત્તર ચડાવવાનું ખરચ આવી પડ્યું.’

‘તારે માથે ય આવું ખરચ આવવાનું છે.’ સંતુએ હળવેથી કહ્યું.

‘હેં ?’

‘હેં શું ! દહ તેલા રુપું વહોરવાની તેવડ્યમાં રે’જે‌‌‌‌‌‌‌‌‌‌‌—’

‘શું વાત કરછ ?’

‘આ મરિયમની ઘોડ્યે હવે મારી માનતા ય ફળવાની છે—’

‘કંયે ! કંયે ?’

‘એમ તો હજી વાર છે, ગભરાઈશ મા. આવા માઠા વ૨હમાં તને ખરચ નહિ કરાવું, પણ આવતી સાલ હુતાશણી ટાણે છત્તર ઘડાવવાના વેતમાં રે’જે—’ સંતુએ શરમાતાં શરમાતાં કહ્યું.

સાંભળીને ગોબર શરમાયો પણ ખરો. ‘એમ વાત છે ! ને અટાણ લગી કોઈને કે’તી ય નથી ?’

‘આવી વાતમાં તી કાંઈ પૂંજિયા ઢેઢને બરકીને ઢોલ પિટવવાના હોય ?’

‘ભાભીને વાત કરી છે કે નઈં ?’ પોતે જેને સદૈવ માતાતુલ્ય ગણેલી એ ઊજમનો ઉલ્લેખ કરીને ગોબરે પૂછ્યું.

‘મને તું વધારે વા’લો કે ભાભી ?’ સંતુએ કહ્યું. ‘તને કીધા મોર્ય ભાભીને કાને વાત નંખાય ?’

‘સમજ્યો, સમજ્યો ! ઘરમાં હજી કોઈને ખબર જ નથી !’

‘પહેલી પરથમ ઘરવાળાને ખબર પાડવી જોયેં, પછી ઘરને–’

‘અને ગામને !’

‘ગામને કિયે છ મારી બલા ! હું તો તને કહું, એટલે એમાં આખું ગામ શું, આખો મલક આવી ગ્યો !’

ગોબર મૂછમાં હસી રહ્યો. સંતુના ભક્તિભાવને એ પ્રશંસી રહ્યો.

‘હજી તો હું ને તું, બે જ જણાં આ વાત જાણીએ છીએ ને !’