પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
લીલુડી ધરતી
 


હતા. લોંઠકા બળદોના પગમાં આ ધરતીને ખૂંદવાનું આદતનું જોર હતું. હાદા પટેલના પગમાં ઉતાવળ અને હૃદયમાં ઉચાટ હતો. એમને તો આ વાવણીની વસમી ફરજ પતાવીને ઝટઝટ સાથરે સુવડાવેલા પુત્રના મૃતદેહ પાસે પહોંચી જવાની ઉતાવળ હતી : ગોબરની આંખ સામે ઊઘડતી આવતી કાલની આશા અને અનિશ્ચિતતાના મિશ્ર રંગો ઝબકતા હતા.

ઓરણી કરતાં કરતાં એક શેઢા નજીક પહોંચ્યા ત્યારે પડખેના ખેતરમાંથી અવાજ આવ્યો :

‘કાં કાકા ! વાવણી થઈ ગઈ પૂરી ?’

અવાજ હતો હાદા પટેલના પિતરાઈ ભાઈના છોકરા માંડણિયાનો. આમ તો ગોબર ને માંડણિયો એક વાર સામસામા કુહાડીને ઝાટકે આવી ગયેલા, ત્યાર પછી બન્ને કુટુંબો વચ્ચે અબોલા ચાલતા હતા. પણ કાલે રાતે પરબતનો મંદવાડ વધ્યો ત્યારે માંડણિયો સાયકલ પર જઈને ઠેઠ જુનાગઢથી દાક્તરને બોલાવી લાવેલો. ત્યાર પછી હાદા પટેલને એ નાદાન ભત્રીજા પ્રત્યે પણ પ્રેમભાવ જાગેલો.

તેથી જ તો હાદા પટેલે એને ભાવભર્યો ઉત્તર આપ્યો : ‘આ એક ચાસ ઓરાઈ રિયે એટલે વાવણાં પૂરાં.’

‘લ્યો, હું ઓરવા લાગું એટલે ઝટ પૂરું થાય,’ કહીને માંડણિયો શેઢાની વાડ ઠેકીને આ બાજુ કૂદી આવ્યો ને બોલ્યો. કાકા ! તમે વહેલેરા ઘેર પોનતા થાવ.’

‘ઠીક લે, હું વહેતો થાઉં. તમે બેય ભાઈયું વેળાસર પતાવીને ઝટ આવી પૂગો. પરબતને વારા ફરતી કાંધ દેવામાં કામ લાગશો.’

હાદા પટેલ ગામ તરફ જવા નીકળ્યા.

***

બળદને ડચકારતા ને ઓરણી કરતાં કરતાં બંને પિતરાઈઓ વાતે ચડ્યા.

માંડણિયે હળવેકથી મમરો મૂક્યો : ‘એલા હવે સંતુડીનું