પિતરાઈ ઊઠીને ઓલ્યા શાદૂળભાની વાદે ચડતાં શરમાતો નથી ?’
‘તારામાં રતિ હોય તો ભડનો દીકરો થઈને સીધો શાદૂળભાને જ ઘઘલાવ્યની ?’ માંડેણે સામું પરખાવ્યું. ‘આ તો દૂબળો સિપાઈ ઢેઢવાળે શૂરોપૂરો !–’
‘સમો આવ્યે શાદૂળિયો ય પાંહર્યો દોર થઈ જાશે. પણ તને કટમી ગણને આગોતરું કહી રાખું છું કે હવે પછી સંતુ સામે ઊંચી આંખે જોયું છે તે આપણી વચ્ચે સારાવટ નહિ રિયે.’
‘એટલે ? તું વળી શું કરી નાખવાનો હતો ?’
‘ઢીંઢું ભાંગી નાખીશ !’
‘હવે બેસ બેસ ઢીઢાં ભાંગવાવાળી !’ માંડણિયાએ આદત મુજબ ફરી વાર ભયંકર ઉપહાસ કર્યો, ‘ઢીઢાં ભાંગવાની શક્કલ કિયે છ તારી !’
‘બવ ચાવળાઈ રેવા દેને હવે !’ ગોબરે કહ્યું. ‘જોઈ તારી શક્કલ રૂપાળી છે—’
માંડણિયે અણિયાણી મૂછને વળ ચડાવતાં કહ્યું :
‘આ શક્કલ તો સંતુ જેવી સંતુને નચવે છે, દીકરા મારા !’–
પણ એ ભાગ્યે જ વાક્ય પૂરું કરી રહ્યો હશે ત્યાં તો એનાં જડબાં ઉપર ગોબરના જોરૂકા હાથનો ઠોંસો પડ્યો. માંડણિયાની આંખે ઘડીભર અંધારાં આવી ગયાં. પોતાના વેરી ઉપર વળતો ઘા કરવા એ તલસી રહ્યો. બન્ને હાથની મુઠ્ઠી વાળીને એ ગોબર ઉપર તૂટી પડવા તૈયાર થયો, પણ જડબા પર લાગેલા મૂઢ મારને કારણે અસહાય બનીને ક્રોધમાં ધ્રુજી રહ્યો. ગોબર માટે ગંદામાં ગંદી ગાળ ઉચ્ચારવા એણે મહામહેનતે હોઠ ઉગાડવા પ્રયત્ન કર્યો ત્યાં તો અધખૂલી મોંફાડને ડાબે ખૂણેથી ડળક ડળક લોહી ટપકી રહ્યું.
ભયંકર ક્રોધથી ભભૂકતા માંડણિયાની મુખરેખાઓ અત્યારે ભારે દયામણી લાગતી હતી. એના દયામણા દીદાર જઈને ગોબરને પણ આ દુશ્મન પ્રત્યે થોડી અનુકમ્પા ઊપજી.