પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિષનાં વાવેતર
૨૫
 


માંડણિયાની વેદના વધતી જતી હતી. પોતે ઉચ્ચારવા ધારેલી ગાળ તો અવ્યક્ત જ રહી ગઈ, પણ અંદરની વેદના અસહ્ય બનતાં પેલી અધખૂલી મોંફાડ આપમેળે જ આખી ઊધડી ગઈ ત્યારે અંદર એકઠા થયેલા લોહીનો કોગળો થઈ ગયો. હવે જ એને સમજાયું કે ગોબરે મારાં જડબાં ઉપર કેવો સખત પ્રહાર કરેલો. એનું સાટું વાળવા, બમણો સખત પ્રહાર કરવા એ નજીક આવવા મથ્યો ત્યાં તો એ લથડિયાં ખાતો ખાતો માંડ બચ્યો, અને ફરી અપમાનના ડંખ સાથે અસહાય બનીને થરથર થરથર ધ્રુજી રહ્યો.

‘ભૂંડો ! લાગછ, ભૂંડો !’ ગોબરે સંભળાવ્યું. ‘સંતુને નચવનારની શક્કલ આવી વહરી નો હોય !’

આ ઉપહાસનો ઉત્તર આપવાનું તો માંડણિયાને બહુ મન થયું. પણ વધતી જતી વેદનાને કારણે એની જીભ જ ઊપડી શકતી નહોતી. લથડિયાં ખાતાં ખાતાં પણ ગોબર ઉપર હાથ ઉગામવાના એના બાલિશ પ્રયત્નો જોઈને ગોબરે કહ્યું :

‘ઠાલો કાયાને કહટ શું કામે ને આપછ ? હજી એક ઠોંહો પડશે તો ઘડોલાડવો થઈ જાહે ને જઈશ ઘીહોંડાં ફૂંકતો; પાવળું પાણી ય નહિ માગ્ય ! આ સતીમાના થાનકની પવિતર જગ્યામાં ઠાલી મારે માથે એક હત્યા ચડશે...’

માંડણિયો શૂન્ય આંખો ફાડીને આવાં મહેણાં સાંભળી રહ્યો એટલે ગોબરે ઉમેર્યું :

‘ભૂડો લાગછ, ભૂંડો ! ભગવાન તને ભલી મત્ય દિયે તો હવે કોઈ દિ’ તારું કાળમખું ડાચું મને દેખાડીશ મા ! જીવ વા’લો હોય તો ઝટપટ શેઢો વળોટીને વહેતો થઈ જા, નીકર ભોંયમાં ભંડારી દઈશ !’

તલવારની ધાર જેવા માંડણિયાએ અત્યારે શત્રુની આ સલાહ માનવી પડી. કોઈને તુંકારો પણ ન ખમનાર એ જુવાનને અત્યારે આ બધાં જ મેણાંટુમ્બાં ખમી ખાવાં પડ્યાં. અસહ્ય લાચારીથી એ ખોડીબારા તરફ વળ્યો.