પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિષના વાવેતર
૨૭
 


ગોબરે ઢાંઢાને ડચકાર્યા અને ઉતાવળે ઉતાવળે ડેલીએ પહોંચ્યો.

વાડામાં જઈને ભૂખ્યા બળદના મોઢા પરથી મોડાં છોડ્યાં ને લીલું નીર્યું.

‘હાલ્ય, ગોબર ! હાલ્ય ઝટ.’ હાદા પટેલે કહ્યું. ‘જરાક ઉઘાડ નીકળ્યો છે એટલામાં આ કામ પતાવી દઈયીં, નીકર પછી મેપાણીમાં હવાઈ ગયેલ લાકડાં કેમે ય કર્યાં સળગશે નહિ–’

મોટા ભાઈના મૃત્યુનો શોક અને ઘડીવાર પહેલાં ખેતરમાં બની ગયેલા બનાવની બમણી વ્યગ્રતા સાથે ગોબર હાથમાં પરબતની આગ માટેની દોણી લઈને નનામીની મોખરે થયો...

પાછળ, ધડીમ્ ધડીમ્ કૂટવા માંડ્યું. ડેલીના ઊંબરામાં ઉપરાઉપર પછડાટી ખાધી ને પરબતની નનામી કણબીપાનું નાકું વળોટી ગઈ...

સ્મશાનમાં ચેહ ખડકાઈ ગઈ અને ગોબરને જ્યારે પરબતને અંગૂઠે આગ મૂકવાનું કહેવામાં આવ્યું ત્યારે એનું હૈયું હાથ ન રહ્યું. ગળામાં ક્યારનો દાબી રાખેલો ડૂમો છુટી ગયો અને નાના બાળકની જેમ એ રડી પડ્યો.

પુત્ર હીબકાં ભરી રહ્યો, પિતા એને સાંત્વન આપી રહ્યો અને ભડભડ બળતી ચિતાની જ્વાળા છાપરીને આંબી રહી.

ઘણા ડાઘુઓને નવાઈ લાગી. કંધોતર જેવા દીકરાની ચેહ બળે છે ને બાપની આંખમાં આંસુ કેમ નથી ? અરે, ઘરનો મોભ તૂટી પડ્યો છે ને આ માણસનું રવાંડું ય કાં ફરકે નહિ ?

ડાઘુઓમાં જેઓ મોટેરા ને મઢેલ માણસો હતા એમણે હાદા પટેલની સ્વસ્થતા આ રીતે સમજાવી : ‘અરે ભાઈ ! બાપ જેવો બાપ ઊઠીને રોવા બેહશે તો પછી ઘરમાં છાનું કોણ રહેશે ? મોટેરાંવે તો હસતે મોઢે વખના ઘૂંટડા ગળવા પડે ને !’

અને હાદા પટેલે ખરેખર આ વખતે ઘૂંટડો ગળી જાણ્યો – કુટુંબના શિરછત્રને શોભે એ રીતે ગળી જાણ્યો. પરબતની ચેહ,