પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘સાસ્તરમાં તો ખાલી બેડા કરતાં ભર્યા બેડામાં વધારે શકન ગણ્યા છે.’

‘ભલે, તો બેડું ભરીને પાછી વળવા દ્યો.’ શાદૂળે કહ્યું. ત્યાં લગણમાં માંડણિયાના મોઢાની ત્રાંસ પણ સીધી થઈ જશે.’

પાણીશેરડે જઈ રહેલી, વીજળીના ઝબકારા જેવી સંતુ ‘અંબાભવાની’ના આંગણામાંથી પસાર થઈ ત્યારે નફટ શાદૂળિયો એકેક ખોંખારા સાથે એકેક શબ્દાવલિ ઉચ્ચારી રહ્યો :

‘હાય રે હાય !’
‘અરે ધીમે, જરાક ધીમે !’
‘ઠેસ વાગશે, ઠેસ ?’

જાણે કે કશું સાંભળતી જ ન હોય એવી સ્વસ્થતાથી સંતુ સીધું જોઈને આગળ વધતી રહી તેથી શાદૂળને અપમાન જેવું લાગ્યું. એણે મોટેથી ખોંખારા ખાવા માંડ્યા અને વધારે અવાજે બોલવા લાગ્યો :

‘ઓય રે તારો લટકો !
‘વોય રે તારો મટકો !’

હૉટેલના આંગણથી ચારેક ડગલાં દૂર નીકળી ગયેલી સંતુએ પાછું જોયા વિના, એ જ સ્વસ્થતાથી શાદૂળને પરખાવ્યું :

‘મુઆ ! ઘરમાં જઈને તારી માઈયુ બેનું ને કહે ની !’

વીજળીના શિરોટા જેવી સંતુ શાદૂળને સાચે જ વીજળીનો આંચકો આપતી ગઈ તેથી જ પોતાની માબહેનને અપમાનિત કરી ગયેલી સંતુને ગાળગલોચ કરવાનું પણ, એ લગભગ ગામઝાંપે પહોંચવા આવી ત્યાર પછી જ શાદૂળને સૂઝ્યું.

‘રાંડજણીની મને તુંકારો કરી ગઈ !’

હૉટેલના સ્તબ્ધ વાતાવરણમાં શાદૂળે ફરિયાદ કરી એ સાંભળીને સહુ વધારે સ્તબ્ધ બની ગયા.

શાદૂળને પોતાની માબહેન વિષે બે ઘસાતા શબ્દો સાંભળવા