પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
લીલુડી ધરતી
 

વિના છૂટકો જ નહોતો. માંડણની પછવાડે મોટો બધો કોગળો રેડી નાખીને બોલ્યો :

‘આવી તો હવે વધાવો. કળશો કરો. ને થવા દિયો પનોતીનાં પોંખણાં. છૂટકો છે કાંઈ ?’

પાણી શેરડે જતી વેળા સંતુના તાંબાવરણા ચહેરા ઉપર જે એક સ્વાભાવિક પ્રસન્નતા હતી એ પાછાં વળતાં છેક ઓસરી ગઈ હતી. ઉલ્લાસને સ્થાને ભય આવી ભરાયો હતો. પોતે ગામધણીને છંછેડ્યો હતો અને હવે એ વેર લેવાનો જ, એવી ખાતરી હોવાથી આ યુવતીની સુકોમળ મુખમુદ્રા ઉપર વ્યગ્રતા છવાઈ ગઈ હતી.

ગુંદાસરની બજાર ગણાતો આ રાજમાર્ગ એટલો તો સાંકડો હતો કે ગાડીવાન સાવચેત ન હોય તો આજુબાજુની પછીતોએ ગાડાંના ધરા ધફડાય. સામેથી બીજું ગાડું આવે તો એક ગાડાએ પાછું વળવું પડે એવા સાંકડા રસ્તા ઉપર શાદૂળે બાંકડા નાખીને વધારે સંકડાશ કરી હતી.

બાંકડે બેઠેલા દરબારને દૂરથી જોતાં જ સંતુ ધ્રૂજી ઊઠી હતી. આજે જરૂર કશીક નવાજૂની થશે એમ લાગતાં એનાં પગલાં ધીમાં પડી ગયાં.

સંતુના પહેરણનો ફડફડ થતો અવાજ ‘અંબા ભવાની’ની નજીક આવ્યો એટલે સહુની નજર એ તરફ મંડાઈ રહી.

શરમાતી, સંકોચાતી સંકોચાતી, પાણીઆરી શાદૂળની સામેથી પસાર થઈ કે તુરત ખડિંગ કરતોકને કાંબીનો રણકો સંભળાયો.

એકાદબે ક્ષણમાં જ બધુ બની ગયું. શાદૂળે સિફતપૂર્વક હૉકીસ્ટીક વડે સંતુના પગમાં આંટી લીધી. એકધારી ચાલમાં આ અંતરાય આવતાં સંતુએ સહેજ સમતોલપણું ગુમાવ્યું; માથા પરનું ભર્યું બેડું સહેજ નમ્યું પણ એની એણે પરવા ન કરી. ભયગ્રસ્ત બનીને શાદૂળના સકંજામાંથી છૂટવા માટે પેલો રણકેલી કાંબીવાળો પગ એણે જોશભેર ઉપાડ્યો.