લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બેડું નંદવાણું
૩૯
 

 પગની આંટી લેવા ગયેલ હૉકીસ્ટીકનો વળાંક સંતુની કાંબીમાં એવો તો ભરાઈ ગયો કે એણે જોરથી પગ ઉપાડ્યો હોત તો ગડથોલિયું ખાઈ ગઈ હોત, પણ માથેથી નમી ગયેલું બેડું બચાવવાની ખેવના કર્યા વિના એણે તે પગના જોરૂકા નળા વડે જ હૉકીસ્ટીકને ઝાટકે લીધી અને એ એક જ આંચકામાં શાદૂળના હાથમાંથી સ્ટીક સરી ગઈ.

'ફાટી મૂવા !' બોલતાં સંતુએ સહેજ લથડિયું ખાધું, પણ સામી પછીતની ઓથે એક હથેળી ટેકવાઈ જતાં એ પડતાં પડતાં બચી ગઈ. કાંબીવાળા પગે ઝાટકો લેતા કેડ્યો-દોઢ્યો વીંટેલું પહેરણું ઊંચું ચડી ગયું ત્યારે એનો સુડોળ સાથળ જોઈને માંડણિયો હી ...ઈ હી...ઈ કરી રહ્યો ત્યાં તો શાદૂળના પગની ઉપર ધડ કરતોક ને એની જ હૉકીસ્ટીકનો પ્રહાર પડી ચૂક્યો હતો.

‘રોયા શરમ વગરનાંવ ! કૂતરાંવ !’ કરતીકને સંતુએ બીજો ઘા માંડણિયા ઉપર કરવા ફરી સ્ટીક ઉગામી, પણ ત્યાં તો એ ડરપોક હૉટેલની અંદર ઘૂસી જઈને પાણીની નાંદ પછવાડે સંતાઈ ગયો હતો.

ઉગામેલો ઘા ઉગામેલો જ રહ્યો. સંતુને સમજાતાં વાર ન લાગી કે શાદૂળ પર પ્રહાર કરીને પોતે ભયંકર દુઃસાહસ કરી બેઠી હતી. એ દુ:સાહસનો અંજામ શું હોઈ શકે એનું ભાન થતાં એ બમણી ભયભીત બનીને હાથમાં હૉકીસ્ટીક લઈને જ નાઠી.

શાદૂળ વળતો ઘા કરવા અને સંતુને પીંખી નાખવા માટે ક્યારનો સમસમી રહ્યો હતો, પણ પગના નળા ઉપર પડેલા જોરૂકા હાથના પ્રહારને લીધે એવી તો કળ ચડી ગઈ હતી કે એ આગળ વધી શકે એમ જ નહોતો. તે સ્વસ્થ થાય એ પહેલાં તો સંતુને નાસતી જોઈને એણે બૂમ પાડી :

'ધોડજે, એલા માંડણિયા !'

મારનારની મોખરે ને નાસનારની પૂંઠે ચાલવામાં હોશિયાર