પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટીહા વાગડિયાની ખડકી
૪૩
 

માથાબંધણું વાટેલા કોઈ ખેડૂતને બદલે નગરી બાંધણીનો ફાંકડો સાફો બાંધેલ વ્યક્તિ ઊભેલી જોઈને એકાદ બે વહુઆરુઓ તો ગભરાઈ ગઈ.

‘હાય હાય ! આ તો તખુભા બાપુનો ખવાહ છે, ખવાહ!’

આવનાર વ્યક્તિએ માથે બાંધેલું એ લહેરિયું ગુંદાસર ગામમાં એટલું તો પરિચિત હતું કે એની પીઠ જોઈને જ અડોશીપડોશીઓએ એ સાફાના પહેરનારને પારખી કાઢ્યો.

‘આ તો જીવોભાઈ ખવાહ છે. જીવોભાઈ !’

‘તખુભા બાપુનો હોકો ભરવો પડતો મેલીને ઠેઠ કણબીપા લગણ આવ્યો છે, તો કાંઈક નવાજૂની થઈ હશે.’

ખવાસ માણસ ખેડૂતને ઉંબરે આવીને ઊભો એટલે જરૂર કાંઈક આફતના સમાચાર, એમ સમજીને એકબે ગભરુ પડોશીઓએ તો પોતાનાં ઘરનાં બારણાં વાસી દીધાં. ‘દરબારી માણહથી દહ ગાઉનું છેટું સારું !’

જીવા ખવાસે એક વાર સાંકળ ખખડાવી, છતાં કોઈએ બારણું ન ઉઘાડ્યું તેથી બીજી વાર જરા જોરથી અવાજ કર્યો ને સાથે એમાં પોતાનો સત્તાવાહક ખુંખારો પણ ઉમેર્યો.

અંદર રાંધણિયામાં એક પગ નિરાંતે લાંબો કરીને કથરોટમાં રોટલાનો લોટ મસળી રહેલી હરખના કાન હવે ચમક્યા. હવે જ એને ખ્યાલ આવ્યો કે દિવસે ખુલ્લી રહેતી ખડકીનું બારણું અત્યારે વાસેલું છે, ને કોઈક બહારથી સાંકળ ખખડાવે છે.

'એલી સંતડી ! ખડકીને ઉલાળિયો નાખીને બેઠી છો ને પાછી ઉઘાડતી ય નથી ! ટીહાની વહુ હરખે પુત્રીને ઉદ્દેશીને કહ્યું. ‘કો’ક બાર્ય ઊભું સાંકળ ખખડાવે છે, ઈ સાંભળતી નથી ?’

‘મર ખખડાવે.’

‘કેમ એલી આવો તોછડો જબાવ દે છ? કવછું કે ખડકી ઉઘાડ્ય !’