‘નઈ ઉધાડું—’
‘આવા પગબળણા તડકામાં બિચારા જીવને બાર્ય ઊભાં ઊભાં પગ સડસડી હાલશે એનો વચાર કર્ય !’
હરખ હજી એમ સમજતી હતી કે બહાર કોઈક ઉઘાડપગો ખેડૂત ઊભો છે, અને ઉનાળાની બળબળતી ધૂળ એના પગમાં ફડફોલા પાડી રહી છે. આ ગરીબ ખેડુપત્નીને ક્યાંથી ખબર હોય કે જીવાભાઈ ખવાસના પગમાં તો તખુભા બાપુનાં ઊતરેલાં અને હજી ય ચાલતી વેળા ‘ચેઈડ’ બોલાવતાં પમ્પશૂઝ છે ?
જીવાભાઈએ કંટાળીને રોષપૂર્વક ત્રીજી વાર સાંકળ ખખડાવી ત્યારે તો હરખે પણ એટલા જ રોષભર્યા અવાજે પુત્રીને સંભળાવ્યું :
‘એલી કાનમાં પૂમડાં ખોશ્યાં છ? બાર્ય કોઈના માથા ઉપર ભાર હશે એનો તો વચાર કર્ય !’
ભોળી હરખ ! એ બિચારી દુનિયા આખીને ટીહાના માપદંડ વડે જ માપતી. પોતાનો પતિ મૂલી તરીકે વેઠ-મજુરી કરતો ને માથે બબ્બે મણના ભાર ઊંચકતો, તેથી એને ઉંબરે આવનાર સહુ આગંતુકોને માથે એટલો જ અસહ્ય બોજો હશે એવી એની કલ્પના હતી. પણ એને ક્યાં ખબર હતી કે જીવાભાઈને માથે તો તખુભા બાપુનું ઊતરેલું હળવું ફૂલ લહેરિયું લહેરાય છે !
‘ઊઠ્ય ! કંવછંવ કે ઊઠ્ય !’ હવે તો હરખે સંતીને ઉગ્ર અવાજે આદેશ આપ્યો : ‘મારે આ તાવડી આકરી થઈ ગઈ છે... ઊભી થા ઝટ, ને ખડકી ઉઘાડ્ય !’
‘તું થા ઊભી તારે થાવું હોય તો !’ સંતુએ ઠંડે કલેજે કહી દીધું.
હરખને હવે તો બેવડી ચીડ ચડી. એ લોટ મસળતી જ ઊભી થઈ ગઈ ને હાથ ધોવા રોકાયા વિના જ ‘છોકરીનો ઉપાડો બવ વધ્યો છે..’ એવું બબડતી ખડકી તરફ ગઈ.
ધોળે દિવસે ડેલી ઠંહાવીને બેઠી છે, ને પછી ઊઠબેસ મારી