પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
લીલુડી ધરતી
 

 પુત્રીના આવા ઉડાઉ જવાબ સાંભળીને હરખની મૂંઝવણ વધી. હવે એણે જીવાને જ પૂછ્યું :

‘જીવાભાઈ ! છોકરી છે જરાક મોઢે ચડાવેલ— ’

‘મોઢે ચડાવેલ હોય, કે માથે ચડાવેલ હોય, ઈ તમારા ઘરની—’

‘બાપુ ! છોકરી છે જરાક અલ્લડ, ને વળી અક્કલની ઓછી, કાંઈ વાંકગનામાં આવી ગઈ હોય તો બોલી નાખોની, હુ અબઘડીએ ઈને પાંહરી કરી નાખું—’

‘વાંકગનો ?’ જીવાભાઈએ હવે તીખે અવાજે કહ્યું, ‘વાંકગનો તો તમારી શેજાદી ગગીને જ પૂછોની ? બવ ફટવીને ફટાયો કર્યો છે તી !’

આટલી જીભાજોડી પછી પડોશીઓનું કુતુહલ હાથ રહે એમ નહોતું. જોણું ને વગોણું બન્ને તાલ ભેગા થયા હોય એમ લાગ્યું. તીરે ઊભીને તમાશો જોવા માટે ખડકી બહાર ખાસ્સું ટોળું જામી ગયું.

‘એલી મોસલ ! મારે તાવડી ઉપર રોટલો બળે છે, જટ ભંહી મર્યની !’ હરખે ધ્રૂજતાં ધ્રૂજતાં સંતુને સંભળાવ્યું, ‘જીવોભાઈ જેવું મોટું માણહ ઊંબરે ખોટી થાય છે—’

‘થાવા દે—’

‘જીભડો કાંઈ બવ વધ્યો છ ?’

‘નંઈ વધ્યો હોય તો હવે વધારવો પડશે.’ સંતુએ સામું પરખાવ્યું.

લાજના ઘૂમટામાં હરખ હવે અકળાઈ રહી. માથા પર ઓઢાણું જરાક ઊંચું તાણ્યું. બોલી :

‘જીવાભાઈ જેઠ ! છોકરીનું બોલ્યું ગણકારશો મા, ને અમ ઉપર દિયા કરો, બાપુ !’

‘તમારી ગગીએ શાદૂળભાની હોકી ઘરમાં ઘાલી છે. ડાહ્યાડમરાં થઈને સોંપી દિયો પાછી, નીકર કોઈની ખેર નથી રેવાની.’