પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટીહા વાગડિયાની ખડકી
૫૧
 

‘કેમ એમ, ભલા ?’

‘જરાક જોખમ જેવું હતું —’

‘જોખમ ? શેનું જોખમ ?’

‘આબરૂનું —’

હવે હરખ વિચારમાં પડી ગઈ. પુત્રીને મહેણાંટોણાં સંભળાવવાનું માંડી વાળ્યું. કશીક નવાજૂની થઈ છે, ને વાત વિચારવા જેવી છે તેમ એને લાગ્યું.

‘તી અટાણ લગી મોઢામાંથી ભંહતી કાં નથી ?’ હરખે પૂછ્યું પણ સંતુ જવાબ આપે એ પહેલાં તો ફરી ડેલી ઉપર સાંકળ ખખડી.

‘વળી પાછું કોણ ?’ હરખે સચિંત અવાજે પૂછ્યું.

‘હવે તું રોટલેથી ઊઠતી નઈ. હું જોઈ આવું છું.’ કહીને સંતુ ડેલીનું બારણું ઉઘાડવા ગઈ.

હળવેકથી ઉલાળિયો ખેસવીને કમાડ ઓરું કર્યું તો સામે માંડણિયો ઊભો હતો. સંતુના ત્રીજા લોચનને તાપ પોતા ઉપર વરસવા માંડે એ પહેલાં જ એણે શરૂ કરી દીધું :

‘શાદૂળભા કિયે છ હૉકી પાછી આપી દિયો તો અમે બેડું સોંપી દઈએ—’

‘ઈ કેનારાને જ આંયાં મોકલ્યની મારી પાંહે ! તું વચમાં ઠાલી મફતની અધ્યારી શુ કામ સારશ ?’

સંતુને મોઢેથી આવું વડછકું સાંભળીને માંડણિયો વિચારમાં પડી ગ્યો, અને એ કશો જવાબ આપી શકે એ પહેલાં તે સંતુએ ધડાક કરતુંક ને બારણું વાસી દીધું.

 ***

સાંજે દીવે વાટ ચડવા ટાણે એઝતને સામે કાંઠેથી ટીહાએ ગાડું વેકરામાં નાખ્યું. દિવસ આખો એ રેતી સારી સારીને થાકી ગયો હતો તેથી હવે બળદને ડચકારવાના ય એને હોશ નહોતા રહ્યા.