ગાડીવાન જેવા જ ગરીબડા બળદો કેવળ આદતને જોરે ગુંદાસરની દિશામાં ચાલતા હતા.
ઓઝતના વિશાળ પટનો વેકરો પૂરો કરીને ગાડું પાણીમાં આવ્યું કે તુરત ટીહાને કાને વેણ પડ્યાં :
‘કાં ટીહા ! આજ તો બવ ઉતાવળો ?’
શૂન્ય આંખે સીમ ભણી તાકી રહેલા ટીહાએ બાજુ પર જોયું તો ગોઠણડૂબ પાણીમાં રઘો ગોર પંચિયાભેર નહાઈ રહ્યો હતો.
પણ આ રગશિયા જેવા ગાડાને પણ ‘ઉતાવળુ’ ગણાવવા પાછળ રધાએ વાપરેલો વ્યંગ સમજવા જેટલી ટીહાની શક્તિ નહોતી.
પોતાનો અર્થહીન પ્રશ્ન નિરુત્તર જ રહ્યો તેથી રઘાએ જ આગળ ચલાવ્યું :
‘પહોંચ, પહોંચ ઝટ ! ઘરભેળો થા જરાક ઉતાવળો થઈને—’
‘કાં ? કાંઈ થયુ છે ?...મારું: તો રોજનું ટાણું છે—’'
‘થાય તો શું બીજું ? સૂરજ મા’રાજ ઉગમણાને બદલે આથમણા થોડા ઊગવાના હતા ? આ તો સોનીભાઈના કજિયા જેવી વાતું... ઘેરે પૂગીશ એટલે ખબર પડશે—'
ટીહાને વહેમ ગયો કે વઢકણા સ્વભાવની હરખ આજે કોઈ પડોશીની કજિયો ઉછીનો લઈ આવી હશે તેથી એણે સચિંત અવાજે પૂછ્યું :
‘ગોરબાપા ! મારા ઘરમાંથી કોઈ હાર્યે વઢી આવી છે ?’
‘તારી ઘરવાળી તો મઢેલ માણહ છે; ઈ કાંઈ અવચારું કામ નો કરે—’
‘તંયે કોણે અવચારું કામ કર્યું ? મારી સંતુએ ?’
‘થઈ જાય ભૂલથી. જુવાન લોઈ કોને કિયે ?’
સાંભળીને ટીહાએ નદીના મધવહેણમાં જ ગાડું થોભાવી દીધુ.
‘ગોરબાપા ! સરખી વાત તો કરો ? હું તો શિરામણ ટાણાનો શાપર ગ્યોતો, વાંહેથી શું થઈ ગયું ? વાત તો કરો !’