પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
લીલુડી ધરતી
 


પ્રકારનું તાદાત્મ્ય અનુભવતી, પોતાનાં અને કાબરીનાં સંતાનો લગભગ તેવતેવડાં હતાં. નર્યો અકસ્માત જ હતો, છતાં એ હકીકત હતી કે હરખ પ્રસૂતિમાંથી ઊઠી કે તુરત કાબરી પણ વિયાતી. સમયાંતરનું આ આકસ્મિક સામ્ય માત્ર સગાંવહાલાંઓને જ નહિ, ગામલોકોને પણ યાદ રહી ગયું હતું, અને તેથી કેટલીક ટીખળી ડોશીઓ તો ટકોર પણ કરતી કે હરખની ને કાબરીની ઊંબેલ સાવ સરખી ! હરખ આનો જવાબ પણ પોતાની લાક્ષણિક ઢબે જ આપતી : ‘સરખી તો હોય જ ને ! કાબરી તો મારી બેન મારી ભેગી કરિયાવરમાં આવી છે.’

હરખની આ ‘બહેને’ આરંભમાં બે વાછડા આપ્યા. એમને ધુંસરી નાખવાને બદલે હરખે પડખેના ગામમાં એક સોનીને ઘેર લીલ પરણાવવામાં સોંપી દીધા. એ પછી જે વાછડી આવી એ તો આબેહૂબ કાબરીની જ અનુકૃતિ જોઈ લો ! રૂપ, રંગ, ટીલાટપકાં, બધી બાબતમાં એ એની માની જ ‘કાર્બન કૉપી’ જેવી હોવાથી હરખે એનું નામ પણ કાબરી જ પાડેલું.

‘કાબરી જુનિયર’ જેવી આ રૂપાળી વાછડી સંતુની ગોઠિયણ બની રહેલી. સંતુ એનાં લાલનપાલન કરતી, એની જોડે ગેલ કરતી અને હરખની જેમ જ આ નાની કાબરી જોડે એ તાદાત્મ્ય અનુભવી રહેતી.

મોટી કાબરી વસૂકી ગયેલી ત્યારે ટીહાએ સ્વાભાવિક જ સૂચવેલું, ‘કાબરીને હવે માજનવાડે મેલી આવું,’ ત્યારે હરખે આંખ કાઢીને પતિને વેધક પ્રશ્ન પૂછ્યો : ‘તો તો મને ય કો’ક દી માજનવાડે મેલી આવશો !’ ત્યાર પછી એ જનાવરે ટીહાની જ કોઢમાં શેષ આયુષ્ય પૂરું કરેલું. એના સંભારણા સમી નાની કાબરી મોટી થઈ અને સંતુને એની જોડે માયા બંધાઈ ત્યારે એક દિવસ અનાયાસે જ હરખથી બોલાઈ ગયેલું : ‘અલી ! તને કાબરી ઉપર આટલું બધું વહાલ છે, તો મારે તને કરિયાવરમાં ભેગી વળાવવી પડશે, ત્યારે સંતુએ હરખાતાં હ૨ખાતાં કહેલું : ‘મા !