પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
લીલુડી ધરતી
 

 ‘લ્યો બોલ્યાં બેનબા : મારે વાળુ નથી કરવું ! સહુ ત્રાગાં કરીને બેહો મારી સામે !’ હરખે હવે હૈયાવરાળ કાઢવા માંડી. ‘હાથે કરીને હોળી સળગાવી છે. જીવોભાઈ જેવો જીવોભાઈ ઊંબરે આવી કહી ગ્યો તો ય માનતી નથી, ને પારકી ચીજ દબાવીને બેઠી છે !...ગામમાં રે’વું ને મઘર હાર્યે વેર બાંધવાં તી ક્યાંથી પોહાય ? સત્તા આગળ શાણપણ શું કામનું...કોઈ વાર બે વાત ખમી ખાતા ય આવડવું જોયેં...જેની તેની હાર્યે આમ બાખડી પડતાં હાલીએ તો તો જિવાય કેમ ? હંધીય વાત કાંઈ ગણીને ગાંઠે બંધાય ?...ને સામા માણસના મોભાનો ય વચાર કરવો જોયીં ને ?...’

કાણી ટાંકીમાંથી ટપકતાં પાણીની જેમ હરખની આ વાક્‌ધારા રહી રહીને ટપક્યા કરતી હતી. એવામાં ઓચિંતો જ એક માણસ સાવ ઉઘાડે ડિલે ડેલીમાં પ્રવેશ્યો. માત્ર પંચિયાભેર આવી પહોંચેલ એ માણસ બીજો કોઈ નહિ પણ રઘો ગોર જ છે, એમ સમજતાં ટીહાને વાર ન લાગી. ગુંદાસરની ચારે સીમ વચ્ચેની હરફર માટે રઘો ટૂંકા પંચિયાથી વધારે પોષાક બગાડતો નહિ, કોઈ વાર એને બહારગામ જવાનું થાય ત્યારે એ અંતરિયાળ ભૂધર મેરાઈની હાટડીએ ઊભાં ઊભાં પહેરણ સીવડાવતો.

‘કાં ગોરબાપા ?’ ટીહાએ કહ્યું.

‘એલાવ, તમે મોઢેથી બાપા બાપા કરો છો, પણ આમ તો મારા જ બાપ થઈને ફરો છો !’

‘આવું બોલાય, ગોરદેવતા ?’

‘મારાં વેણ ખોટાં હોય તો પાછાં આપી દે ! આ તને નદીની વાટમાં સાનમાં સમજાવ્યો, તો ય કાંઈ સમજ્યો લાગતો નથી.’

‘હંધું ય સમજી ગયો છું.’

‘સમજી ગયો છો, તો હવે વાટ કોની જોવાની છે ? સારું મૂરત જોવાનું બાકી છે ? કહે તો મારા ટીપણામાંથી લાભ ચોઘડિયું કાઢી દઉં...’