લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બેડું વહાલું કે આબરૂ?
૬૩
 


‘ના ના, એમાં ચોઘડિયું તો શું જોવાનું હોય ? આ તો—’

‘એલા તું નહિ માન્ય, પણ અટાણે સાચે જ તારા લાભનું ચોઘડિયું છે.’ રઘાએ ટીહાના કાનમાં કહ્યું : ‘જો અટાણે અધારું થઈ ગયું છે, તો છાનોમાનો લાકડી મેલી જા, ને બેડું ઉપાડી જા. કોઈ ભાળશે ય નહિ, ફક્ત હું, તું ને રામ જાણે !’

‘બરાબર છે.’ ટીહાએ કહ્યું.

‘તો પછી ? તમે કણબાંભાઈ કીધાં એટલે હાંઉં, સાનમાં તો કાંઈ સમજો જ નહિ ! પચ્છમબુદ્ધિ ભ્રમ જેવાં તમને તો ડફણાં વાગે ઈ જ લાગનાં છો !’

આટલું કહીને રઘાએ ઓસરીનાં પગણિયાં પાસે જ ખળળ કરતો પાનનો કોગળો નાખ્યો.

એ દૃશ્ય જોઈને દૂર ઊભેલી સંતુએ ઊબકો આવતો હોય એવો દેખાવ કર્યો, પણ અંધારામાં રઘો એ જોઈ શક્યો નહિ.

‘તમારે ગોરબાપા ઠેઠ અહીં સુધી ધક્કો થયો, ઘરડે ઘડપણ.’ ટીહાએ વિવેક કર્યો.

‘ઘડપણ તો છે, ને આંખ્યે ય હવે રાતવરત સૂઝતું નથી, પણ શું કરું ? આ વાત ઠેઠ તખુભાબાપુ લગી પૂગતી’તી એટલે મારો જીવ બળ્યો. મનમાં થયું કે ગરીબ કણબી દંડાઈ જાશે, હાલ્ય ટીહાને સાનમાં સમજાવતો આવું.’

‘સમજી ગયો, ગોરબાપા ! હંધું ય સમજી ગયો. હવે તો તમે જાવ. તમારી વાંહોવાંહ હું આવ્યો સમજો !’

રઘાને વિદાય કરીને ટીહાએ સંતુને કહ્યું :

‘ગગી ! લાકડી લાવ્ય, હોટરે જઈને આપી આવું ને બેડું લેતો આવું.’

સંતુ મૂંગી રહી એટલે હરખે કહ્યું :

‘એલી, આપી દેની લાકડી ! તઈણ હાથની લાકડી સાચવીને શું કરવું છે ? ચૂલામાં નાખું તો એના તાપમાં મારો એક રોટલો