ય પૂરો નઈ શેકાય. ઈના સાટામાં બેડું પાછું લઈ આવો ની ! કેવું મજાનું ભારેસલ્લ, ઘડાઉ તાંબાનું સોના જેવું બેડું છે મારું ! આજ નવું લેવા જાવ તો ખબર પડે !’
માતાને મોઢેથી લાકડી અને બેડાંના તુલનાત્મક લાભાલાભ સાંભળી લીધા પછી સંતુએ એટલું જ કહ્યું :
‘મા ! તું હવે મુંગી રહીશ ?’
મૂંગા રહેવાનું સ્વીકારતાં સ્વીકારતાં પણ હરખની જીભ આટલાં વેણ તો વેરતી જ ગઈ :
‘હવે તો મૂંગાં જ રહેવું પડશે ને ? કહેવાયે ય નહિ ને સહેવાયે ય નહિ એવું કરી આવી છે !’
ટીહાએ નમ્ર અવાજે કહ્યું :
‘સંતુ, દીકરા ! હવે આમાંથી કાંઈક રસ્તો કાઢ્ય !’
‘લાકડી નથી સોંપવી.’
‘એમ તી કાંઈ હાલે ? શાદૂળિયાને તું ઓળખતી નથી; ભૂંડા માણહની પાંચશેરી ભારે.’
‘હું ઓળખું છું શાદૂળિયાને. હવે સાંકડા ભોણમાં આવ્યો છે, એટલે ટાઢો પડ્યો છે. અટાણે જો આપણે પોચું મેલશું તો વળી પાછો ઈ ઊંચું ભાળી જશે, અટાણે લાગ આવ્યો છે, તો એને સીધોદોર કરી નાખવા દિયો, તો હંમેશનું સાલ જાય—’
‘પણ બાપુ ! આપણે ગામમાં રહેવું ને ગરાશિયા હાર્યે વેર રાખવાં કેમ પોહાય ?’
‘ઈ ગરાસિયાની ચોટલી હવે મારા હાથમાં આવી ગઈ છે. આવો મોકો ફરીથી નહિ જડે. જરાક કડપ દેખાડશું તો પછી ઈ શાદૂળિયો જિંદગી આખી મારી સામે ઊંચી આંખ નઈ કરે.’
‘તારી વાત હંધી ય સોના જેવી છે, દીકરા ! પણ આપણું ખોરડું ગમે એવું તો ય દૂબળું ગણાય. આપણે દબાયેલાં માણહ. આવા જોરૂકા જણ હાર્યે વેરઝેર જીરવવાનાં આપણાં ગજાં નઈં.’