પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
લીલુડી ધરતી
 


‘હવે મેલો ને ખહતી ! દીકરા દીકરા કરીને બવ મોઢે ચડાવી છે, તી કોક દી આપણને અફીણ ઘોળાવશે.’

‘હવે તું મૂંગી મરીશ ? ડહાપણ તો હંધુય તારામાં જ ભરી દીધું લાગે છે !’ પત્નીને ધમકાવીને ટીહો સંતુની પીઠ પાછળ તાકી રહ્યો. ઘડીભર તો એને થઈ આવ્યું કે દોડીને પુત્રીને આંબી લઉં. અને એને સમજાવીને પાછી લાવું. પણ સંતુનો અટંકી અને જિદ્દી સ્વભાવ એનાથી અજાણ્યો નહોતો. તેથી હવે તો શું થાય છે એની રાહ જોવાનું જ ઉચિત ગણીને એ ડેલી બહાર ઊભો રહ્યો.

ટીહાએ તો ધાર્યું હતું કે સંતુ અત્યારે બેડું લેવા માટે રઘા ગોર પાસે જ જઈ રહી છે અને હમણાં જ એ હૉટેલમાં જવા માટે ગલીમાં વળશે પણ ટીહાની એ ધારણા ખોટી પડી. સંતુ તો હૉટેલવાળી ગલી છોડીને પણ કણબીપાની શેરીમાં સીધી ને સીધી જ આગળ વધતી રહી; તેથી ટીહો વિચારમાં પડી ગયો. અરે, છોકરી ક્યાં જતી હશે ? ક્રોધની મારી કૂવોઅવેડો તો નહિ પૂરે ? પાછળ દોડીને પકડી લાવું ? ના ના, તો તો સૂતેરી શેરી આખી જાગી ઊઠે, ને છોકરી કાંઈ જીભાજોડી કરી પડે તો નાહકનો ગામગોકીરો થાય...

ટીહો આમ વિચારતો રહ્યો ત્યાં તો સંતુ જમણે હાથે એક ખાંચામાં વળતી દેખાઈ.

અરે ! સંતુ એ તરફ ક્યાં ગઈ ? જમણી દિશાના ખાંચામાં તે હાદા ઠુમરની ખડકી છે ! સંતુનાં સાસરિયાંનું જ ખોરડું ! છોકરી સાસરે પહેાંચી કે શું ?

*