પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
લીલુડી ધરતી
 


બાપનો તો ઠીક, પણ બાયડી-છોકરાંનો ય વિચાર ન કર્યો. પાછળ સહુ કેવાં વલવલશે એની ય ફિકર ન કરી ને ભગવા પહેરી લીધાં. એના કરતાં તો દેવશીની ઘરવાળી ઊજમ વધારે સમજુ. કાચી ઉંમરમાં એ ઘરનો ઊંબરો ઝાલીને બેઠી રહી. નાતરે જાવાનાં કેટકેટલાં કહેણ આવ્યાં, કેટલા ય ચૌદશિયાઓએ બાઈને આંબાઆંબલી બતાવીને ભોળવવા મહેનત કરી, પણ ઊજમ તો એક જ વાતને વળગી રહી : ‘મારો ધણી કાંઈ મરી નથી ગયો. કાલ્ય સવારે પાછો આવશે. મારું જીવતર સુધારવા સારુ થઈને મારાં જણ્યાંનાં જીવતર નથી બગાડવાં. હું મારા જ સવારથનો વિચાર કરીને બચકી બાંધીને હાલતી થઈ જાઉં તો મારા ગલઢા સસરાને કોણ પાળે..?'

‘અરેરે, છોકરાએ ઘર છોડતાં પહેલાં આવી કુળવાન પત્ની તરફ પણ નહિ જોયું હોય ?’ એમ વિચારીને હાદા પટેલે ખાટલામાં પડખું ફેરવ્યું અને મન શું આશ્વાસન લીધુ : કદાચ આવી પુણ્યશાળી પત્નીને નસીબે જ પુત્ર કોઈક દિવસ વહેલો કે મોડો પણ પાછો ફરશે !

વિચાર કરી કરીને પટેલ તંદ્રામાં પડ્યા કે તુરત ખડકીની આ ડેલી પર સાંકળ ખખડી.

‘દેવશી આવ્યો કે શું ?’

પિતા વર્ષોથી જેના આગમનની અનંત પ્રતીક્ષા કરી રહ્યા હતા એના અત્યારે ભણકારા વાગ્યા, માનવસહજ આશા અને ઉત્સુકતાથી તેઓ ઊભા થયા અને હળવેકથી આગળિયો ઉઘાડ્યો.

આવકારની રાહ જોયા વિના એક યુવતી અંદર ધસી આવી.

હાદા પટેલ થોડી વાર તો વિચારમાં પડી ગયા. આ તે સપનું છે કે સાચું ? સાશંક બનીને એમણે પૂછ્યું :

‘કોણ ?...સંતુ...?’

યુવતીએ મૌખિક હકાર ભણવાને બદલે શ્વશુરની અદબ જાળવતો ઘૂમટો ખેંચ્યો.

આવે અસુરે ટાણે ને એકાંત વાતાવરણમાં, આણું વાળ્યા