વિનાની પુત્રવધૂનું આગમન એટલું તો વિચિત્ર અને અકળાવનારું હતું કે હાદા પટેલને પૂછવાનું મન થઈ આવ્યું : ‘દીકરી ! ખડકી તો નથી ભૂલી ને ?’ પણ શ્વશુરને સમજાતાં વાર ન લાગી કે સંતુના આગમન પાછળ કશુંક સૂચક રહસ્ય છે, તેથી એમણે પૂછ્યું :
‘કાંઈ બવ અસુરું કામ પડ્યું ?’
‘હા, તમારી સામે ખોળો પાથરવા આવી છું.’
‘બોલ્ય, શી વપત્ય પડી છે ?’
‘અસ્ત્રીની જાત્ય ઉપર બીજી તી કઈ વપત્ય પડે ?’
‘કોઈએ તારી સામે ઊંચી આંખે જોયું છે ? કોઈની કૂડી નજર ?’
‘તમારી જાણ્ય બાર્ય તો હવે થોડું રિયું હશે ? આજ સવારમાં હોટર આગળ— ’
‘સાંજે ચોરાને ઓટે કાંઈક વાત તો થાતી’તી, પણ હુ આવા ગામગપાટા સાચા ન માનું.’
‘ગપાટા નથી, સાચી વાત છે. શાદૂળિયે મારા પગમાં લાકડીની આંટી નાખી. મારે માથેથી ભર્યું બેડું હેઠું પડ્યું, નંદવાણું, ને હું માંડ માંડ બચી.’
‘ભાર્યે ભૂંડો નીકળ્યો શાદૂળિયો તો !’
‘ઈ ભૂંડાની લાકડી આંચકીને મેં કોઢ્યના ખપેડામાં સંતાડી દીધી છે. હવે ઈ કેવરાવે છે કે લાકડી દઈ જાવ ને બેડું લઈ જાવ. મને થાય છે કે ઈ જ લાકડીએ લાકડીએ શાદૂળિયાનો વાંસો ખોખરો કરું તો હું સાચી ?’
‘શાબાશ, દીકરા !’ હાદા પટેલે સંતોષથી કહ્યું. ‘આ તો મારે કરવાનું કામ તેં ઉપાડી લીધું.’
‘પણ એમાં એક વિઘન છે.’
‘શાદૂળિયાની બીક લાગે છે ?’
‘મને તો નથી લાગતી, પણ મારાં માબાપને લાગે છે.’