પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખેાળો પાથર્યો
૭૧
 


સવારથી એને અકળાવી રહેલો હૈયાભાર હળવો થઈ ગયો.

હાદા પટેલની સૂચનાથી સંતુએ પ્રફુલ્લ ચિત્તે પાણિયારેથી બેઠું ઉપાડ્યું. હાથમાં ગાગર લેતી વેળા એ એક વિચિત્ર પ્રકારનો રોમાંચ અનુભવી રહી. જે ઘરના જીવનવહેણમાં પોતાનું જીવનવહેણ ભળી જવાનું છે જે કુટુંબ જોડે પોતે હવે ટૂંક સમયમાં જ તાદાત્મ્ય સાધવાનું છે એ ઘરનું માંગલ્યસૂચક બેડું અત્યારથી જ ઉપાડી લેતાં જાણે કે વિદ્યુતસ્પર્શ જેવી મીઠી ઝણઝણાટી અનુભવી રહી. સંતુને પૂછવાનું મન તો થઈ ગયું : ‘આટલી વાર લગણ ગોબરિયો હજી ક્યાં પડ્યો ઊંઘે છે ?' પણ શ્વશુરની મર્યાદા અને મલાજો સાચવવા ખાતર, હૈયામાંથી ઊઠેલા શબ્દોને એણે હોઠ બહાર નીકળવા ન દીધા.

બેડું લઈને ડેલી બહાર નીકળતાં સંતુથી બોલ્યા વિના ન રહેવાયું :

‘આ તો, ઠુમરને આંગણે હેલ્ય ઉતારવાને સાટે સામેથી ઠુમરની જ હેલ્ય ઉપાડી જાવા જેવું કર્યું મેં !’

‘કાંઈ વાંધો નહિ, હવે કાલ્યથી રોજ તારે આ પાણિયારે હેલ્ય ઉપર હેલ્ય રેડવાની જ છે ને !’ ચતુર સસરાએ આવી સૂચક વાણી વડે પુત્રવધૂને વિદાય આપી ત્યારે એ ખાલી હેલ્ય પણ સંતુના મુગ્ધ હૈયાની જેમ હર્ષ છોળે છલકાતી હતી.

ખડકી વાસીને હાદા પટેલે ફરી ખાટલા પર લાંબો વાંસો કર્યો ત્યારે એમના ચિત્તમાં દેવશીને બદલે હવે સંતુની ચિંતા શરૂ થઈ. હવે ગમે એમ કરીને પણ ઝટપટ આણું કરી લેવું પડશે. મરઘલી જેવી છોકરીને ગામનાં રોઝડાં રંજાડે એ હવે ન નિભાવાય... અરે, પણ ઠુમરને ખોરડે તો પરબત પાછો થયો છે, એનો શોક છે... જુવાનજોધ દીકરાના કાચા મરણનો શોક છે. ચૂલે ગળ્યું મીઠું રાંધણ ન ચડાવાય ત્યાં આણું વાળવાનો ઉત્સવ તો કેમ કરીને આરંભાય...?