પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખેાળો પાથર્યો
૭૩
 


‘આટલી અહૂરી ?’

‘લે કર્ય વાત !... પોતાને ઘેર જાવામાં વળી વહેલું શું ને અહૂરું શું ?’

‘હુ તો આજ દી આખો વાડીએ હતો. અટાણે બીડીબાકહ લેવા ગ્યો તયેં ગિધાની હાટમાં વાત થાતી સાંભળી.’

‘શું ?’

‘શાદૂળિયે તને આંતરી ને તારે માથેથી બેડું નંદવાણું ને—’

‘હવે એની ફકર કરવી રે’વા દે. આપણે ઘેરેથી આ સાજુ બેડું લઈ જાઉં છું.’

‘હું શાદૂળિયાને ઝાટકે મારીશ.’

‘ઈ મરેલાને હવે વધારે શું મારવો ?’ સંતુએ કહ્યું. ‘એના કરતાં તો મને જ હવે સાસરે તેડી લે ની, એટલે આવાં વંઠેલાં ઊંચી નજરે જોતાં આળહે ?’

‘હમણાં તો તેડું કેમ કરીને થાય ? પરબતભાઈને શોગ—’

‘શોગ ! તને શોગ વાલો છે કે સંતુ ?’

‘સંધો ય વિચાર કરવો પડે. લોકલાજ—’

‘જોયો મોટો લોકલાજવાળો ! તમે સહુ લોકલાજમાં પડ્યા રેશો ને મારી લાજ લૂંટાશે એનું શું ?’

‘વાત સાચી લાગે છે.’

‘સાચી લાગતી હોય તો એનો ઉપાય કાં કરતા નથી ?’

‘આતાને કાને વેણ નાખીશ...’ ગોબર બોલ્યો, ત્યાં પછવાડેથી કોઈ ખેડૂતનું ગાડું ખખડ્યું એટલે સંતુ સાબદી થઈ ગઈ. બોલી :

‘જા, હવે ઝટ નીંદર ભેગો થા !’

અને ઝડપભેર પગલું ઉપાડતાં એકલો ગોબર જ સાંભળી શકે એવા ધીમે સાદે ઉમેરતી ગઈ :