પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ સાતમું

સતીમાતાની સાખે

ગુંદાસરની ઊભી બજરે મલપતી ચાલે ચાલતી સંતુના માથા પર ઠુમરના ઘરનું બેડું ઝગમગતું હતું. ત્યારે ઠુમરની ખડકીમાં હાદા પટેલ ઓસરીમાં ઊભા ઊભા, રાંધણિયામાં બેઠેલી ઊજમને ઉદેશીને કહેતા હતા :

‘વવ ! કોઠીમાંથી મૂઠી જાર્ય કાઢજો !’

શ્વશુરનો હાથએકનો ઘૂમટો તાણીને ઊજમ કોઠી તરફ ગઈ એટલે હાદા પટેલે બીજું સૂચન કર્યું :

‘આ વાટકીમાં પાવળું દીવેલ નાખજો—’

જુવાર અને દીવેલની બેવડી માંગ સાંભળીને ઊજમ સમજી ગઈ કે સસરાજી માતાને થાનકે દીવો કરવા ખેતરે જાય છે. અને એ માટેની આવશ્યક સામગ્રીમાંની ત્રીજી વસ્તુ હજી કેમ માગી નહિ એમ વિચારીને ઊજમે પોતે જ અંદરથી સાવ હળવે સાદે પૂછ્યું :

‘ને વાટ્યનું રૂ ?’

‘વાટ્યું તો કાલ્ય રાત્યની વણી રાખી છે. સંતુ બેડું લઈ ગ્યા પછી જરાક અજંપા જેવું થઈ ગ્યું ને આંખ્ય કેમે ય કરી ભાર્યે થાતી જ નહોતી, એટલે નવરા બેઠાં વાટ્યું વણી કાઢી—’

રાત આખીનો અજંપો, અત્યારના પહોરમાં સતીમાની દેરીએ દીવો ને જુવારના દાણા વગેરે વગેરે વાત સાંભળીને સમજુ ઊજમને સમજતાં વાર ન લાગી કે સસરાજી આજે કોઈક ગંભીર