પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સતીમાતાની સાખે
૭૯
 


તો જણાયું કે દીકરાને ગયાને દાયકો તો ક્યારનો પૂરો થઈ ગયો છે....આ નોરતામાં પાકાં બાર વરસ પૂરાં થશે. શાપરથી કુળગોર કાનેસર તરવાડી આવ્યા હતા, એ તો વાર તથ્ય જોઈને કહી ગયા હતા કે હવે આ ચોમાસું ઊતર્યે દેવશીના ગયાને બાર વરસ પૂરાં થાય છે, ને એના પાછા આવવાની હવે કોઈ આશા રહી નથી, તો એનું અડદનું પૂતળું બનાવીને એની અંત્યેષ્ટિક્રિયા કરીને શ્રાદ્ધ નહિ કરી નાખો તો પિતૃઓ કોપશે.

ખંખોળિયું ખાઈને ખેતર તરફ વળતાં હાદા પટેલના મનમાં આ પ્રશ્ન પણ રમતો હતો. દેવશી હવે નહિ જ આવે ? સાચે જ એનું અડદનું પૂતળું બનાવીને એને અગ્નિદાહ દેવો પડશે ? પિતૃઓ રૂઠે નહિ એટલા ખાતર, જીવતે દીકરે એને અગ્નિદાહ દેવાય ખરો ?

મનમાં ઘોળાતી બધી જ દ્વિધાઓનું સમાધાન શોધવા તેઓ ખેતરમાં સતીમાના થાનક પર પહોંચી ગયા....

મૂર્તિ સન્મુખ ઘીનો દીવો પેટાવીને હાદા પટેલે માતાની સ્તુતિ ભણવા માંડી અને એકચિત્તે થઈ ગયા...

સારી વાર પછી આંખ ઉઘાડીને જાણે કે કોઈકને સંબોધીને બોલતા હોય એમ મન-શું ગણગણ્યા :

‘મા ! મોટો દીકરો પરબત પાછો થયો છે. ઘરને આંગણે આકરો શોગ છે – બાપના વેરીને ય ન આવે એવો શોગ છે. પરબતનો ઘા તાજો છે ને એમાં, કહુલે એક મંગળ કામ કરવું પડે એમ છે – ન છૂટકે કરવું પડે એમ છે, તમે જો હા ભણો તો ગોબરની વહુને આણું વાળવું પડે એમ છે. કુટુંબની આબરૂની રખ્યા કરવા સારુ આમ કરવું પડે એમ છે, જો તમે હા ભણો તો મા ! તમને ઠીક લાગે એવો જવાબ દેજો... તમે ચોખ્ખી હા ભણશો તો જ હું ઢગ લઈને વાગડિયાને ખોરડે જઈશ, ને સંતીને તેડી આવીશ...’

આટલું કહીને હાદા પટેલે જુવારની ઢગલીમાંથી ચપટી ભરીને થોડા દાણા ઉપાડ્યા. ધડકતે હૃદયે દાણા ગણી જોયા તો બરોબર