પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સતીમાતાની સાખે
૮૧
 

દીકરાને મારે અગ્નિદાહ દેવો ? દેવશી સાચે જ મર્યો ન હોય તો ય મારે એનું શ્રાદ્ધ–સરામણું કરાવવું ?

પ્રસન્નતા ને વ્યગ્રતાની મિશ્ર લાગણીઓ લઈને હાદા પટેલ ગામ તરફ પાછા વળતા હતા. પ્રસન્નતા હતી, સંતુનું આણું કરવાની પોતાની ઈષ્ટ યોજનામાં સતીમાએ હા ભણ્યાની. વ્યગ્રતા હતી, દેવશીના ભાવિ અંગેના દાણા ચોખ્ખા ન નીકળવાની. જિંદગી એટલે જ શુભાઅશુભની પરંપરા... ૫રબતના મૃત્યુનો અમંગળ બનાવ બન્યો તે જ દહાડે વાવણીનું મંગળ કામ કરવું પડ્યું. હવે ગોકળ આઠમ ઉપર સંતુનું આણું કરવાનું મંગળ કામ માથે આવ્યું છે. પણ થોડા દિવસમાં જ દેવશીની ઉત્તરક્રિયા પણ કરવી પડશે. જિંદગીની ચાદરમાં આવા શુભઅશુભના તાણાવાણા એકબીજાની જોડાજોડ જ વણાઈ ગયા લાગે છે...

‘એ...રામરામ, ઠુમર !' હાદા પટેલ ગામને ઝાંપે જવા માટે ઓઝતનો પટ ઓળંગતા હતા ત્યાં, જમણી બાજુએથી એમને કાને શબ્દો અથડાયા.

‘એ...રામ !’ કહીને એમણે આંખ ઉપર હથેળીનું નેજવું મૂક્યું તો સામે તગારું-પાવડો લઈને એક ખેડૂત ગાડામાં રેતી ભરતો દેખાયો. ‘કોણ ? ટીહોભાઈ તો નંઈ ?’

‘હા, હું પંડ્યે જ.’ સામેથી ઉત્તર આવ્યો.

‘ઠીક આંયાં જ ભેગા થઈ ગયા. નીકર વાળુપાણી કરીને હું જ રાત્યે ડેલીએ આવવાનો હતો.’

‘મને ય મનમાં થતુ’તું કે આ ગામનાં હરાયાં ઢોર આપણી ગગીને હેરાન કરે છે તી એની હરુભરુ વાતચીત તમારી હાર્યે કરી જાઉં, તો– ’

‘હવે ઈ હરાયાં ઢોરને હમણાં સંભારશો જ મા, ભલા લઈને.’ હાદા પટેલે કહ્યું. ‘શાક બજારમાં સૌ સૌને ભાવે ખપે–’