સારું કર્યું... ઘીના ઠામમાં ઘી પડી રેશે... અને ઓલ્યો શાદૂળિયો ય સખણો રે’શે—’
‘એમાં શાદૂળિયાનો બવ વાંક કાઢવા જેવું નથી.’ હાદા પટેલે કહ્યું, ‘આપણા ઘરના જ ઘાતકી છે—’
‘હેં ?’
‘હા, હંધાય પાપના મૂળમાં માંડણિયો મૂવો છે. હજી વાવણાં કર્યાં તે દિ’ જ ગોબરે એને આડા હાથની અડબોથ મારી છે.’
‘હા, એના સોજેલા તોબરા ઉપર હળદળના થથેરા તો કળાય છે ખરા —’
‘હજી તો એનાં હાડકાં રંગાવાં બાકી છે—’ કહીને હાદા પટેલ ગામના ઝાંપા તરફ વળ્યા.
પાણીશેરડેથી પસાર થતી વેળા એમણે પાણિયારીઓમાં ચાલતી ગુસપુસ સાંભળી. કૂવાની પાળ ઉપર બે નવરી વાણિયણો લાંબાટૂંકા હાથ કરી કરીને બોલતી હતી :
‘બેડું નંદવાણુંનો સસરાને ઘેરેથી બેડું માંગીને પાણી ભરી ગઈ.’
‘કણબીની છોકરી પણ જોરુકી, જોરુકી કાંઈ, પણ પોતાનું બેડું પાછું લેવા ધરાર ન ગઈ તી ન જ ગઈ !’
‘અસ્તરીની જાત્યને આવા મિજાજ ને આવા બરા પોહાય ?’
‘ગામ વચાળે રે’વું ને ગામેતી હાર્યે વેર બાંધવાં...એવું તો ઈ ભુડથાંભાઈ જ કરે. આપણી વાણિયાની જાત્ય પહેલા સાત વાર વિચાર કરે—’
અનાયાસે જ કાન પર અથડાઈ ગયેલાં આ વેણમાંથી હાદા પટેલે વણિકો અને ખેડૂત વચ્ચેનો સૂક્ષ્મ ભેદ તારવી લીધો ને મનમાં મલકાતાં મલકાતાં ઊભી બજારે આગળ વધ્યા. દરવાજાની દોઢી વળોટીને હજી તો દસેક ડગલાં માંડ હાલ્યા હશે ત્યાં તો કાન પર