લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
લીલુડી ધરતી–ર
 

 સુદ્ધાં એક જ વાત થઈ રહી છે :

‘સંતુએ મેલડી માને અભડાવ્યાં !’

‘એવડી વેંત એકની છોકરીની પોંચ તો જુઓ પોંચ ! બીજે ક્યાં ય નંઈ ને હડમાનની દેરીની પડખે ઠેઠ મેલડી માના થાનક ઉપર ઠેક લેવા ગઈ !’

‘પાપ આવી ભરાણાં હોય તંયે જ આવી કમત્ય સૂઝે ને !’

‘કમત્ય સંતુને સૂઝી, ને મેલડી કોપી આખા ગામ ઉપર... કોઈ મૂછાળો કે કોઈ ઢોરઢાંખર સાજું નંઈ રિયે.’

જીવા ખવાસે દાવ આબાદ અજમાવ્યો હતો. ઘૂઘરિયાળાને મોઢેથી ઉચ્ચારાવેલા તહોમતનામાનો તાળો સરસ રીતે મેળવી આપ્યો. સગર્ભા સંતુ પોતાનું પાપ ઢાંકવા મધરાતને સમયે ગામમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરતી હતી. સંતાતી છુપાતી પાદર સુધી પહોંચી ત્યાં સામેથી જુસ્બા ઘાંચીનો એકો આવતો કળાયો એટલે પોતે પકડાઈ જવાની બીકે ઝટપટ પાછી વળી. પણ ઝાંપેથી ગામમાં ગરે તો તો કાસમો પસાયતો એને પડકારે, એટલે એ શૂરાપૂરાના પાળિયે હડમાનની દેવી વચ્ચેના મેલડીના થાનક ઉપર ઠેક લઈને ગામમાં ગરી ગઈ...

‘અરરર ! ઈ ભાનભૂલીને એટલું ય ભાન નંઈ રિયું હોય કે બેજીવવાળીનો ઓછાયો મેલડી મા ઉપર પડે તો મા કોપી ઊઠે ?’

‘એક તો આ ઓછાયો ને એમાં વળી પારકાં ઓધાનનો... મેલડી ઈ જ ટાણે ભરખી કેમ ન ગઈ ઈ જ અચરજ !’

‘ઈ ભૂડાં કામની કરનારીને ભરખી લીધી હોત તો હંધું સમેસૂતર ઊતરી જાત. આ તો હવે માનાં કોપમાં ગામ આખું ભરખાશે !’

 ×××

હવે આ સાર્વજનિક આફતમાંથી શી રીતે ઊગરવું એનો કશો વિચાર કરવાનો ય કોઈને અવકાશ મળે એ પહેલાં તો ગામ આખાથી વહેલી ઊઠીને પાણીશેરડે પહોંચી જનારી વખતી ડોશી