પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજાણ્યાં ઓધાન
૯૧
 

 મણ મણની ગાળો દેતી ખાલી બેડે પાછી વળી :

‘એના હાથ ભાંગે મરી ગ્યાંવના ! એને રૂવે રૂંવે રગતપીત ફૂટે રોયાંવને !’

‘શું થ્યું વખતીકાકી ? શું થ્યું ?’

‘આ કૂવામાં કોઈ અડદનાં પૂતળાં નાખી ગ્યું છ... એનો કાંધ કૂતરાં ખાય નખોદિયાંવનાં !’

‘રોયાં ઝાંપડાવની ફાટ્ય તો જો વધી છે ફાટ્ય ! ગામનો પિયાવો અભડાવી માર્યો, મરીગ્યાંવે !’

ગામમાં હાહાકાર મચી ગયો. ‘ભંગિયાઓ ઊઠીને ઉજળિયાત વરણનો પાણીશેરડો બગાડી જાય ? એકે ય ઝાંપડાંને જીવતો ન મેલીએ.

‘ઝાંપડાની જાત્યનું જડાબીટ જ ગામમાંથી કાઢો એટલે હંમેશની પીડા જાય.’

‘હજી તો મુખીને ઘેરે આ અડદનાં પૂતળાં અંગેની રાવફરિયાદ પહોંચે એ પહેલાં તો ભવાનદાની ડેલી બહાર ગામના ભંગિયાઓની આખી નાત જમા થઈ ગઈ. શેરીમાં કોઈના ઘરને આંગણે આભડછેટનો ઓછાયો ન પડી જાય એની તકેદારી રાખતાં, પાઘડીઓ ઉતારીને સહુ ગભરાતાં ગભરાતાં કહી રહ્યાં હતાં :

‘એ ભાઈશા’બ ! આમાં અમારો કોઈ વાંકગનો નથી.’

‘અમે કૂવામાં પૂતળાં નથી નાખ્યાં.’

‘ઓતરાદે ઝાંપે અમે પગ મેલ્યો હોય તો ય તમે કિયો એના સમ ખાઈએ.’

‘અમે કૂવાને કાંઠે ય ચડ્યા હોઈએ તો અમારાં છોકરાંને મેલડી ભરખે.’

સાંભળીને ભવાનદા ખરેખર મૂંઝાયા. ગામને પજવી રહેલ એક રહસ્યનો ઉકેલ તો હજી આવી શક્યો નહોતો એમાં આ નવું રહસ્ય ઉમેરાતાં એમની મૂંઝવણનો પાર ન રહ્યો.