પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજાણ્યાં ઓધાન
૯૩
 

જ આ આપત્તિ માટે જવાબદાર ગણાઈ ગઈ.

પાણીશેરડો અભડાયાની વાત વિસરાઈ ગઈ. મંત્રેલાં પૂતળાં ગામમાં મરકી-રોગ ફેલાવશે એ ભય પણ ઘડીભર ભુલાઈ ગયો. ભંગિયાઓને ભોંયભેગા કરી દેવાની યોજના પણ મુલતવી રહી. અત્યારે તો મેલડીને કોપાયમાન કરનાર અને આ સર્વ આપત્તિઓનું નિમિત્ત બનનાર સંતુને જ ગામમાંથી હાંકી કાઢવાની માગણી થઈ રહી.

‘ગુંદાસરની સીમમાં ય એનો ટાંટિયો ન જોઈએ !’

‘મેલડીને અભડાવનારીનો ઓછાયો ય ક્યાંય રૈ જાશે તો ગામનું નખોદ નીકળી જાશે !’

‘ઈ પાપણીને તો જીવતી જ ન મેલવી. આ ગામની સીમ છાંડીને પરગામ જાશે તો ત્યાંનાં માણહનો મરો બેહશે !’

‘મરો બેહવામાં હવે બાકી ય શું રિયું છ ? આ પંચાણભાભો મર્યો. ને હવે પરભા ભામણને ટાઢિયો તાવ આવવા મંડ્યો છે; ભૂધર મેરાઈ કાલ્ય વાત કરતો’તો કે એને ડિલે આખે કળતર થાય છે.’

‘ને ઓલ્યા ઊકા રાખોલિયાને ઊંટાટિયા જેવું થ્યું છ. બચે કે ન બચે.’

‘ને ઓલ્યા ધરમશીભાઈને સવારસાંજ થઈ રૈ છે એનું કાંઈ નંઈ ? આજ સવારમાં તો એક ઝોબો ય આવી ગ્યો’તો.’

‘ઢોરઢાંખરમાં ય ઓછો મંદવાડ નથી. જાગા પટલનો બળધ પૂંહલી ગ્યો છે... આ મેલડી તો મૂછ ને પૂછનો હંચોડો બૂકરડો જ કરી જાહે.’

‘મુખી ! ભલા થઈને મેલડીને રીઝવો, નીકર ગામ આખું મહાણ ભેગું થઈ જાહે.’

કોપાયમાન મેલડીનું શી રીતે સાંત્વન કરવું એની ચર્ચાઓ ચાલી, ઓઘડ ભૂવાને ઘેરે ગામના વગદાર માણસ પહોંચી ગયા.