લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
લીલુડી ધરતી–ર
 

 કેવીક સાચવો છો ઈ હું જાણું છું –’

‘જીભડો બવ વધ્યો લાગે છ ! લાજતી નથી ને માથેથી ગાજ છ ?’

‘હું શું કામ લાજું ?’ સંતુ ફરી ફરીને એક જ દલીલ કરતી, હતીઃ ‘મે કાંઈ કાળું કબાડું કર્યું છે? મેં કાંઈ છાનું–છિનાળવું કર્યું છે?’

સંતુની આ દલીલ સામે ઊજમનો આક્ષેપ તો તૈયાર જ હતો. આજ સુધી એ અનેક વાર આ આક્ષેપનું પુનરુચ્ચાણ કરી છૂટી હતી અને એના ઉત્તરમાં સંતુ તરફથી જે જડબાતોડ જવાબ મળતો એની ઊજમને આકંઠ અનુભવ થઈ ચૂક્યો હોવાથી હવે એ આક્ષેપ કરવામાં એને બહુ રસ પણ રહ્યો નહોતો. તેથી જ તો દેરાણીના અપરાધનું વર્ણન કરવાને બદલે એણે માત્ર રોષ જ ઠાલવ્યો :

‘જીભડો વધ્યો છે એટલે બોલવે શૂરીપૂરી છો.' એમ છણકો કરીને પછી કામે વળગતાં ઊજમે અસ્પષ્ટ ગણગણાટ કર્યો : ‘જેને નહિ લાજ એને કાચું રાજ–—’

એક દિવસ હાદા પટેલ વાડીએથી આવ્યા ત્યારે ખડકીમાં પગ મૂકતાં જ રાંધણિયામાં સંતુ અને ઊજમ વચ્ચે ચાલી રહેલો ચડભડાટ કાને પડ્યો અને તેઓ થંભી ગયા. પુત્રવધૂઓની ગોઠડી કાને પડી જાય તો ય એનું શ્રવણ ટાળવાને ટેવાયેલા આ શાણા શ્વશુરને આજે વાતચીતનો વિષય વિચિત્ર લાગતાં એમણે ન છૂટકે એ દિશામાં કાન માંડ્યો તો કર્કશા ઊજમ રોજને રાબેતે ગોબરની હત્યાનો કકળાટ માંડીને બેઠી હતી અને એ હત્યાનું સંતુ ઉપર આરોપણ કરી રહી હતી. વચ્ચે વચ્ચે માંડણનું નામ, ઝબકી જતું હતું. શાદૂળનો ઉલ્લેખ આવી જતો હતો અને સંતુના ભાવિ બાળક જોડે એ બે વ્યક્તિઓનાં નામ જોડાઈ રહ્યાં હતાં. અગાઉ તો આવા આક્ષેપોને સોઈઝાટકીને પાછા વાળનારી સંતુ આજે કોણ જાણે