પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
લીલુડી ધરતી–ર
 

 અંગે કશી પૂછગાછ કેમ નથી કરી ? આ મહત્ત્વના પ્રશ્નમાં હજી ય તેઓ મૂંગા કેમ રહ્યા છે ? અરે, ગામલોકો કહે છે એમ હું ગોબરની હત્યારી હોઉં ને મેં પાપાચાર પણ કર્યો હોય તો ઘરના મોભી મને ખાસડું મારીને ઘરમાંથી તગડી કમ નથી મેલતા ? આ બધી કુથલી એમને કાને પહોંચી હશે, ને છતાં ય લોકલાજે મૂંગા રહેતા હશે ? તો તો એમના મન પર કેટલો બધો હૈયાભાર તોળાઈ રહ્યો હશે ? અને એ કૂથલી એમને કાને નહિ પહોંચી હોય તો પણ અત્યારે જેઠાણીને મોઢેથી ઉચ્ચારાયેલાં વેણ તો એમણે કાનોકાન સાંભળ્યાં જ હશે ? અને એ સાંભળ્યા પછી એમના મન ઉપર કેવી છાપ પડી હશે? હાય રે, મને કેવી કપાતર ગણી બેઠા હશે ? જે માણસની સામે મેં ખોળો પાથર્યો, ને જેણે મારી લાજ રક્ષવા ઉતાવળે ઉતાવળે આણું કરી લીધું, એ દેવ જેવા સસરાની નજરમાં હું કેટલી હલકી પડી ગઈ હોઈશ ?

સંતુને ઘડીભર તો થઈ આવ્યું કે તે દિવસે નંદવાયેલું બેડું પાછું લાવવા માટે માતાએ શાદૂળભાની હોકી સ્ટીક પાછી સોંપી દેવાનું ને એ રીતે નાકલીટી તાણવા જેવું સૂચન કરેલું ત્યારે પોતાનું સ્વમાન રક્ષવા માટે લાજ-લોકાચાર બાજુ પર મૂકીને શ્વશુર સમક્ષ ખોળો પાથરેલો, એવી જ રીતે આજે ફરી વાર લાજનો ઘૂમટો ઊંચો કરીને આ શિરછત્રસમા વડીલ સમક્ષ અંતરની વેદના ઠલવી દઉં. શ્વશુરના મનમાં જે અનેકાનેક શંકા-કુશંકાઓ ઘોળાઈ રહી હશે એનું સાચી વાત કરીને સમાધાન કરી આપું, ને એ રીતે એમની જોડે મારો ય હૈયાભાર હળવોફૂલ કરી નાખું. ગામમાં જે ગપગોળાના ગોબારા ચડ્યા છે એ કેટલા પોલા છે એ તોડીફોડીને કહી દઉં. મેં કાંઈ કરતાં કાંઈ જ પાપ નથી કર્યું, એટલી પેટછૂટી વાત કરી દઉં...પણ વળી વિચાર આવ્યો કે મારી કીધી વાત એ માનશે ખરા ગામના ઝેરીલા માણસો એ એમના કાનમાં ઝેર રેડ્યાં હશે એમાં એકાદ બે અમૃતબિંદુની શી અસર થાય ? ઊલટાની કાંઈ ગેરસમજ