પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહેણાંની મારતલ
૯૯
 

 તો નહિ થાય? સામે ચાલીને હું વાત કરવા જાઉં તો ગુનેગાર તો નહિ ગણાઉં ને ?....અરે, હવે હું કયે મોઢે આવા મઢેલ ને મોભાદાર સસરાને મારું મોઢું બતાવું ? એના કરતાં તો બહેતર છે હું બુડી મરું !...

સાંજે વાળુટાણા સુધી સંતુ મૂંગી જ બેઠી રહી. ઊજમે એને જમવાનું સૂચવ્યું ત્યારે એ ‘નથી ખાવું’ એટલો જ મિતાક્ષરી ઉત્તર આપીને મૂંગી થઈ ગઈ.

ઊજમે પૂછ્યું : ‘શુ કામે નથી ખાવું ?’

સંતુ ફરી બે જ શબ્દો બોલી :

‘નથી ભાવતું—’

જ્યાં ને ત્યાં વાંકું જ જોવા ટેવાયેલી ઊજમે આમાંથી પણ અવળો અર્થ તારવ્યો :

‘ક્યાંથી ભાવે ! શાદૂળભા જેવાંની ડેલીએ સાત ભાત્યની સુખડી જમી આવેલાને આંહી ગરીબ ઘરના સૂકા રોટલા શેનાં ભાવે ?’

સંતુને દાઝ તો એવી ચડી કે ઊજામની જીભ જ ખેંચી કાઢું પણ હવે તો એને કોઈ ઉપર રોષ ઠાલવાની ય પરવા નહોતી રહી. ‘બોલનારનું મોઢું ગંધાય’ એમ મનશું ગાંઠ વાળી એ મૂંગી રહી તેથી તો ઊજમને વધારે શૂર ચડ્યું

‘આના કરતાં તો શાદૂળભા ભેગી જન્મટીપમાં સથવારો પુરાવવા ગઈ હોત તો તું યુ સુખી થાત અને અમે ય સુખી થાત ! ને અમારે ઘરના મોભી જેવા દીકરો નંદવાતો રૈ જાત—’

સાંભળીને સંતુના હૃદયમાં ઝાળ ઊઠી. ઊભા થઈને ઊજમને આડા હાથની એક બૂંહટ ખેંચી કાઢીને એને બોલતી બંધ કરી દેવાનું મન થઈ આવ્યું. પણ વળી વિચાર્યું : ‘હવે મારે જીવવું થોડું ને ઝાઝાં વેર ક્યાં બાંધવાં ?’ અને એ મૂંગી જ બેઠી રહી.

ઊજમને આ મૌનનો ભેદ ન સમજાયો, આડે દિવસે તો એક વેણના સાટામાં સામાં સાત વેણ સંભળાવનારી, ‘રોકડિયા હડમાન