પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહેણાંની મારતલ
૧૦૧
 


અને પછી ઊજમ એકાએક દેવસીને યાદ કરીને રડવા લાગી :

‘કોણ જાણે કોણે પાપે વિજોગ વેઠવાના વારા આવ્યા... મને એકલીને મેલીને હાલી નીકળ્યા... બાર બાર વરહનાં વછોયાં... ફરીદાણ મોંમેળા જ ન થ્યા... જીવતે જીવ મૂવા જેવું ગણાઈ ગયું... હાય રે, હાથે કરીને જ એનું અડદનું પૂતળું બાળવું પડ્યું ને હવે રોજ રાત્યે ઊઠીને ઈ મારે સોણે ભરાય છે... કિયે-છ, કે મારું જીવતેજીવ શરાધ કાં કરી નાખ્યું ? પૂતળું ઘડીને એને દેન કીધું તંયે મને રૂંવેરૂંવે એની ઝાળ લાગી’તી...’

ઘડીભર સંતુ પ્રત્યેનો રોષ ઓસરી ગયો, રોજનો કંકાસ ભુલાઈ ગયો. દેરાણી માટેનાં મહેણાંટોણાં વિસરાઈ ગયાં, અને રુદનની પરાકાષ્ટાએ ભાવોદ્રિક અનુભવતાં ઊજમ જાણે કે અનાગત દેવસી જોડે એકાકાર થઈ ગઈ. પરોક્ષ રીતે અંત્યેષ્ટિ ક્રિયા અને શ્રાદ્ધ સુધ્ધાં પામી ચૂકેલો પતિ કેમ જાણે કે પોતાની નજર સામે જ ઊભો હોય એટલી સાહજિકતાથી એ વાતો કરવા લાગી.

સંતુ માટે આ દૃશ્ય જીરવવું મુશ્કેલ હતું. ઊજમ પતિવિયોગની જે વેદના વેઠી રહી હતી એ સંતુના હૃદયમાં જાણે કે સંક્રાન્ત થઈ રહી હતી. ઊજમ પ્રત્યેનો એનો સઘળો રોષ આ પરિતાપના પારાવારમાં ઓગળી ગયો. લોકાચાર અને લોકરૂઢિનું દાસ્ય વેઠી રહેલી ઊજમે આજ સુધીમાં સંતુ પર કલંકારોપણ કરી કરીને જે સંતાપ કરાવ્યો હતો એની વેદના પણ આ વિયોગિનીના વલવલાટ સમક્ષ વિસરાઈ ગઈ. હૃદયમાં માત્ર મૃત્યુની મીંઢી મીંડ ઘૂંટાઈ રહી. દેવસીનું મૃત્યુ, પરબતનું મૃત્યુ અને છેલ્લે ગોબરનું મૃત્યુ : સર્વભક્ષી મૃત્યુનાં ખડકો વચ્ચે થઈને આ જીવનની ક્ષીણપ્રવાહ સરવાણી વહી રહી હતી. આ દૈવશાપિત ઘરની ઈંટેઈંટમાંથી ઊઠતા મૃત્યુના ઓછાયાઓ અહીં વસનારાંઓને અદૃષ્ટપણે ભીંસી રહ્યા હતા. મૃત્યુની આ મૂંગી ભીંસ સંતુ માટે અદકી ગૂંગળાવનારી બની રહી હતી, કેમકે એના જીવનમાં પતિવિયોગની યાતના ઉપરાંત વળી એક હીન કલંકનું