પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
લીલુડી ધરતી-૨
 

 લેતીકને ગામમાં ગરી ગઈ—’

‘મેલડીના થાનક ઉપર ઠેક લીધી ! મરે રે નભાઈ !’

અજવાળીકાકી આનંદી ઉઠ્યાં. પોતે રાતે જોયેલા દૃશ્યમાં ખૂટતી કડી આમ અનાયાસે જ મળી રહેતાં એમનો આનંદ હવે દ્વિગુણિત થઈ ગયો.

‘કોણ હશે ઈ માથાની ફરેલી જેણે મેલડીમાના થાનક ઉપર ઠેક લીધી ?’ અજવાળીકાકીએ પૂછવા ખાતર જ જુસબને પૂછ્યું.

‘ઠુમરની સંતુ જેવી લાગી. એનું મોઢું તો કળાણું નહિ, પણ કૂવો પૂરવો પડે એવી દખિયારી બાઈ ગામમાં બીજી કોણ છે ?’

‘સંતડી જ. બીજી કોણ વળી ! મધરાત્યે ડાઘિયો ભસ્યો તંયે મેં જાળિયામાંથી નજર કરી તો સંતડી વાજોવાજ ધોડતી જાતી’તી.’ હવે અજવાળીકાકીએ સમર્થન કર્યું.

કિસ્સાની કડીઓ સરસ રીતે મળી રહી. નથુ સોનીએ તુરત જીવા ખવાસને આ બાતમી આપી દીધી અને જીવાએ ઘૂઘરિયાળા બાવાને સાધ્યો.

સાંજ પડતાં જ ઘૂઘરિયાળો ધૂણ્યો અને દુષ્કાળ તથા મેલડીના કોપનો બધો જ ઓળિયો-ઘોળિયો માતાના થાનક ઉપર ઠેક લેનારીને માથે ઓઢાડી દીધો !

મેલડીના કોપનું વધારે સમર્થન કરવા પાદરના પિયાવામાં અડદનાં પૂતળાં ૫ણ પ્રગટાવી દેવાયાં અને ગામ આખામાં હાહાકાર મચાવી દેવાયો.

‘મેલડીને અભડાવનારીને ગામમાંથી આઘી કરો !’

અને આ કામમાં અળખામણા થવાનો બધો ભાર ઓલિયાદોલિયા જેવા મુખી પર જ નાખી દેવાયો.

રખે ને ગામની નિર્દોષ વહુવારુને અન્યાય થઈ જાય એવા ભયથી ભવાનદા નિષ્ક્રિય બની રહ્યા હતા ત્યાં તો એમને સમજુબાએ