પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સતનાં પારખાં
૧૦૯
 


પર ચિંતાની જે ઘેરી છાયા પથરાઈ ગઈ હતી એમાં આજ એકાએક થઈ ગયેલો ઉમેરો ઊજમની કે સંતુની જાણ બહાર ન રહી શક્યો. એ જાણ્યા પછી આ નવી ચિંતાનું કારણ શોધવા સંતુ ઉત્સુક બની રહી.

પાણીશેરડેથી આપઘાત કર્યા વિના પાછી ફરેલી સંતુને એ મધરાતે શ્વશુર તરફથી જે સાંત્વન અને હૈયાધારણ સાંપડેલાં એની સંજીવની વડે આ સંતપ્ત યુવતીમાં એક નવી જ પ્રાણશક્તિનો સંચાર થયો હતો. હવે એ હતપ્રભ બનીને કોઈ પણ આપત્તિથી નાસીપાસ થવા નહોતી માગતી. શ્વશુરને મારા સતમાં શ્રદ્ધા છે, સતીમાએ મારા સતીત્વની સાખ પૂરી છે, એ જાણ્યા પછી સંતુમાં અસાધારણ આત્મશ્રદ્ધા આવી હતી.

આ અત્મશ્રદ્ધાથી પ્રેરાઈને જ એણે લાજના ઘૂમટાની આડશમાંથી આજે શ્વશુરને ચિંતાનું કારણ પૂછ્યું.

અત્યંત અનિચ્છા છતાં, અત્યંત ક્ષોભ સાથે હાદા પટેલને આજ સવારની મુખી જોડેની વાતચીતનો અહેવાલ આપવો પડ્યો.

‘ઓયવોય ! એમાં આટલા મુંઝાવ છો શું કામે ?’ સંતુએ સાવ સહજિકતાથી કહી દીધું : ‘તેલની કડામાં શું કામે, ધગધગતા સીસાની કડામાં જઈને હું હાથ બોળી આવું !’

‘વહુ દીકરા ! ગામના માણહ તો મૂરખ છે. તારાથી આવી છોકરમત ન કરાય.’

‘એમાં છોકરમત શેની ? મેં ક્યાં કાંઈ છાનું પાપ કર્યું છે, તી મને હાથ દાઝવાનો ભો છે ?’ સંતુએ કહ્યું. ‘કહેવરાવી દિયો મુખીને, કે તેલની કડા ઉકાળવા માંડો. હું હાથ બોળવા તૈયાર છું’

પણ હાદા પટેલને પુત્રવધૂનું આવું હિંમતભર્યું સૂચન સહેલાઈથી ગળે ઊતરે એમ નહોતું.

‘ના ના ગામના ચૌદશિયાએ ચડામણી કરી છે એટલે મુખી