પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ બારમું
કળોયું કકળે છે ?

૨ઘા મહારાજને ખબર પડી કે સંતુ અગ્નિપરીક્ષા માટે તૈયાર થઈ છે ત્યારે એ બ્રહ્મપુત્રનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો:

‘ઈ પરીક્ષા કરનારાં છે કોણ ? ઈ પાપપુન્યનાં પારખાં લેનારા શું ભગવાનના દીકરા થઈ આવ્યા છે ?’

શાપર જઈને જોરદાર જુબાની આપી આવ્યા પછી માંડમાંડ શાંત થયેલો રઘો ફરી અશાંતિ અનુભવી રહ્યો. ગામના ખટપટિયાઓ પ્રત્યેના એના આવેશો અને આવેગો માંડ કરીને શમ્યા હતા એ ફરી પાછી ઉગ્ર બની ગયા.

‘તમે કાંઈ ધરમરાજાના અવતાર છો તી કોઈના ધરમઅધરમનાં પારખાં કરવા બેઠા છો ? અરે, ધરમરાજા પણ એક વાર જરાક ખોટું બોલી ગયા’તા, એમાં એના રથનું પૈડું વેંતએક હેઠું ઊતરી ગ્યું’તું—’

પણ ગામ આખું જ્યારે પરપીડનના આનંદમાં ગુલતાન હતું ત્યારે રઘાનો આ વિરોધ કોણ કાને ધરે ? લોકોને તો એક જ ચિંતા હતી : મેલડીના કોપને કારણે વરસાદ બંધાઈ ગયો છે. સંતુએ મેલડીનું થાનક અભડાવ્યું છે, એટલે ગુંદાસર ઉપર માતાનો કોપ ઊતર્યો છે. પૂછ ને મૂછ ઉપર ભાર છે, તેથી પંચાણભાભો પંચકમાં જ ભરખાઈ ગયો છે, અને હવે પાંચ ‘પ’ નામધારીઓએ એની પાછળ પાછળ જવું પડશે. વળી, મૂછની જેમ જ પૂછ ઉપર પણ ભય હોવાથી ગામનું ઢોરઢાંખર ટપોટપ મરવા માંડશે. અને