પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કળોયું કકળે છે ?
૧૧૩
 

 ‘હવનમાં હાડકાં નાખનારો તું રઘલો નંઈ, રાખહ છો—’

‘ગામ આખાનું નખોદ કઢવી નાખીને પંડ્યે ન્યાલ થઈ જવાની તારી દાનત છે.’

‘આમાં તારું પંડ્યનું જ કાંક દાળમાં કાળું લાગે છે. નીકર નંઈ નાત્યનો, નંઈ જાત્યનો ને સંતુનો મોટો વાલેશરી તું શેનો થઈ બેઠો છો ?’

‘સંતુનું ઉપરાણું લઈને પોતાનાં જ કો’ક કાળાંધોળાં ઢાંકતો લાગ છ—’

રઘાને લાગ્યું કે લોકલાગણી સામે ટક્કર ઝીલવી મુશ્કેલ છે, ત્યારે એણે મુખીને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ એણે જોયું કે ભવાનદા તો આ કિસ્સામાં કુહાડાના હાથા જ બની રહ્યા છે. ત્યારે એ સીધો હાદા પટેલ પાસે જઈ પહોંચ્યો અને આવી ધોકાપંથી પરીક્ષામાં સંતુને સાથ નહિ આપવા દેવાની વિનંતી કરી.

લાંબી માથાઝીક ચાલી. રઘાને સમજાયું કે આ પારખું કરાવવામાં હાદા પટેલનો વિરોધ તો મારા કરતાં વધારે ઉગ્ર છે, છતાં એ ભદ્રિક જીવ લોકલાગણીના જુવાળ સમક્ષ લાચાર થઈને બેઠા છે.

‘સંતુ કેમે ય કરી માનતી નથી. હું જેમ જેમ ના કહેતો જાઉં છું, એમ એમ ઈ તો વધારે વેન લેતી જાય છે કે મારાં પારખાં કરી લેવા દિયો, ને માથેથી કલંક ઉતારવા દીયો—’

‘બાપુ ! આ કળજગમાં આવાં પારખાં સાચાં ન પડે !’ રઘાએ કહ્યું.

‘પણ સંતુને તો સતીમા ઉપર આસ્થા છે. ઈ કિયે છ કે સતીમાં મારી રખ્યા કરશે—’

‘બાપુ ! પણ તાવડાના ફણફણતા તેલમાં હાથ બોળાય તંયે ફડફડ ફડફોલ્લા ઊઠશે તંયે સતીમા આડા હાથ દેવા નઈ આવે—’