પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કળોયું કકળે છે ?
૧૬૭
 

 ‘ના, બા ! ના. એના ધણીને ગૂડનારો તો ઓલ્યો માંડણિયો ઈ જેલમાં બેઠો મજો કરે મૂળાને પાંદડે. સંતુ તો બચારી ગવતરીના દાંત જેવી સોજી છે—’

‘સોજીના સગલા !’ સમજૂબાનો વળતો જવાબ આવ્યો, ત્યાં તો અંદરને ઓરડેથી એક પૌરુષી ખુંખારો સંભળાયો. ગળે ગળફો આવ્યો હોય ને ખખરી કાઢવા ખુંખારવું પડે એવો કોઈનો દબાયેલ અવાજ ઊઠ્યો અને રઘાના કાન ચમક્યા. હજી તો એ અવાજ ખુંખારનારની પૂરેપૂરી પરખ કરે ત્યાં તો ઠકરાણાંએ એકાએક ઉગ્રતાથી એને પોંખવા માંડ્યો : ‘એલા શું કામે આયાકણે ઊભો છે ? કિયો ગરાસ દાટ્યો છે તારા ડોહાનો ? પુનશીડા ! મેલ્ય એક પાણો આ ધૂતારા ઉપર... નીકળ્ય ડેલીમાંથી... તારું મોઢું કાળું કર્ય ઝટ...’

સાંભળીને રઘો ડઘાઈ ગયો. ઠકરાણાંને એકએક શું થઈ ગયું ? અણધારી કમાન કેમ કરતાં છટકી ? હમણાં સુધી તો સંતુની વગોવણી કરવામાં મશગૂલ હતાં. એ આમ અચાનક કોપાયમાન કેમ થઈ ગયાં ? ઠકરાણાંનો આ ભેદી મિજાજ જોઈને રઘો એવો તો બેબાકળો થઈ ગયો કે સંતુનો મુકદ્દમો લડવાનું માંડી વાળીને એ સહસા જ ગિરજાના ખભા પર હાથ ટેકવીને ડેલી બહાર નીકળી ગયો.

*