લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
લીલુડી ધરતી–ર
 

 એની સામે શારીરિક બળ વાપરવું પણ બેકાર હતું.

તો કયા બળ વડે આ પાખણ્ડનો પ્રતિકાર કરું ? આ પ્રશ્ન રઘાના અંતરને વલોવી રહ્યો. એ ધારે તો આ આખા ય તર્કટના મૂળમાં રહેલા નથુ સોનીને ઘડીના છઠ્ઠા ભાગમાં ધૂળ ચાટતો કરી શકે એમ હતો. ઘૂઘરિયાળાને અને ઓઘડભાભાને ધુણાવનાર અને ગામ આખાને ભડકાવી મૂકનાર જીવા ખવાસને રઘો પોતાનો પરચો બતાવે એટલી જ વાર હતી. સંતુને સણસણતા તેલમાં હાથ બોળાવનારની છાતી સામે બંધૂકની નાળ નોંધવાની ય આ બ્રાહ્મણમાં તાકાત હતી. અરે, પોતે ધારે તો આ કિસ્સામાં દોરીસંચાર કરી રહેલાં સમજુબાને ય સાત પેઢી સંભારવી પડે એવી સ્થિતિ સર્જવાને એ સમર્થ હતો.

પણ રઘો અત્યારે પોતાનું રાજસ્ સ્વરૂપ પ્રગટ કરવા નહોતો માગતો. પોતે જે પૂર્વાશ્રમનો ત્યાગ કર્યો છે એમાં હવે એ પુનઃ પ્રવેશ કરવા નહોતો ઈચ્છતો. રઘાના પૂર્વ સંસ્કાર સળવળ્યા. હું બ્રાહ્મણનો પુત્ર, દુષ્કૃત્ય તરફ વળેલાં ગામલોકોને હું સત્કૃત્ય તરફ વાળી ન શકું તો ધૂળ પડી મારા બ્રાહ્મણત્વમાં ! હું ગામનો સંસ્કારરક્ષક આવે સમયે લોકોમાં સુસંસ્કાર પ્રેરી ન શકું તો મારું જીવવું શા કામનું ?

અને તુરત રઘાના હૃદયમાંથી સઘળા રાગ, દ્વેષ, વેર, ઝેર, આવેગો અને આવેશો ઓગળી ગયા. અંધશ્રદ્ધાળુ લોકમાં સદ્બુદ્ધિ પ્રેરવા માટે એ પોતાના બ્રહ્મતેજ ઉપર જ મદાર બાંધી રહ્યો.

 ***

મંગળવારના પ્રભાતના પહોરમાં ગામને ચોરે ઠાકર ભગવાનની સામે સંતુની અગ્નિપરીક્ષા યોજાઈ હતી. પણ પ્રભાતનો છડીદાર, જુસ્બા ઘાંચીનો કૂકડો છડી પોકારે એ પહેલાં તો રઘો અને એનો પુત્ર ગિરજાપ્રસાદ ચોરાનાં પગથિયાં પાસે જ હાથમાં રુદ્રાક્ષની માળાઓ લઈને બેસી ગયા હતા.