પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠાકરદુવારે
૧૨૧
 

 વેજલ રબારી રાબેતા મુજબ વહેલાં પરોઢમાં દૂધ આપવા ગયો ત્યારે રઘાને કે ગિરજાને કોઈને ન જોતાં એને નવાઈ લાગી. થોડી વાર તો અડોસપડોશમાં ‘ક્યાં ગ્યો રઘો ? ક્યાં ગ્યો ગિરજો ?’ થઈ પડ્યું. પણ ત્યાં તો ગામ આખામાં સહુથી વહેલો એકો જોડનાર જુસ્બા ધાંચીએ સમાચાર આપ્યા :

‘રઘો ને એનો દીકરો ગિરજો તો એ... ને ઠાકરદુવારે બેઠા હાથમાં માળા ફેરવે છે—’

સંતુની અગ્નિપરીક્ષા કરતાં ય વધારે રોમાંચક જોણું તો અનશનવ્રત લઈને બેસી ગયેલા આ બ્રાહ્મણ પિતાપુત્રનું થઈ પડ્યું.

‘ઠાકરદુવારે રઘોબાપો ને ગિરજો પલાંઠી વાળીને બેહી ગ્યા છે—’

મોઢેથી શાશ્તરના શલોક ગાંગરે છે, ને કિયે છે કે સંતુનો નિયા નહિ થાય ત્યાં લગણ હું અનપાણીને નહિ અડું—’

વા’વાગે વાત પ્રસરી ગઈ.

‘એલા આ તો રઘા મારાજે ત્રાગું કર્યું, ત્રાગું !’

અગ્નિપરીક્ષાનું જોણું જોવા આવનાર લોકો વાત સાંભળીને ત્રાગાનું જોણું જોવા વહેલેરાં આવી પહોંચ્યાં.

‘આણે તો ઘરણટાણે જ સાપ કાઢ્યો—’

‘આ તો સો ચુઆનો મારનારો અટાણે હાથમાં માળા લઈને બગભગત થઈને બેઠો છે—’

 ***

અગ્નિપરીક્ષાના નાટકનો સુત્રધાર જીવો ખવાસ આવ્યો અને રઘા સામે જીભાજોડી કરવા લાગ્યો :

રઘાના મોઢામાં તો એક જ ઉત્તર હતો ? ‘ગામની નિયાણી દીકરીને અનિયા થાય ઈ પહેલાં મારી દેઈ પાડી નાખીશ—’

સાંભળીને લોકોના પેટમાં ધ્રાસકો પડી ગયો.

આ તો ગામ ઉપર બ્રહ્મહત્યાનું પાતક ચડશે; મેલડીનું બકરું