લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠાકરદુવારે
૧૨૩
 

 ઓઘડભાભાએ હાંકોટા પાડવા માંડ્યા :

‘કરો પારખાં ! કરો પારખાં !’

સંતુ આગળ આવી.

રઘાએ વધારે મોટે અવાજે રામધૂન મચાવી.

‘ભલે ગાંગર્યા કરે ઈ બેઠો બેઠો !’ જીવાના ટેકેદારો વાતાવરણનો ઉત્સાહ ટકાવી ૨હ્યા.

‘બોળાવો હાથ ! ઓઘડે આદેશ આપ્યો, 'હમણાં ખબર સાચ-જૂઠની.'

સંતુ ધગધગતી કડાઈની નજીક આવી; મેદનીમાં સોપો પડી ગયો !

ગોબરને યાદ કરીને અને સતીમાને પ્રાર્થીને એણે તાવડામાં બોળવા માટે હાથ લંબાવ્યો.

લોકોના શ્વાસ તાળવે ચોંટ્યા !

રઘાએ અંતરના ઊંડાણમાંથી વેદનાપૂર્ણ સ્વરે રામનામ ઉચ્ચાર્યું.

એ રામનામની સાથે જ સંતુના મોઢામાંથી ભયંકર વેદનાની કાળી ચીસ નીકળી ગઈ ! એના કમળ-ડુંખ સમાં બન્ને કોમળ હાથનાં કાંડાં ફણફણતા તેલના અગનદાહમાં ફડફોલી ઊઠ્યાં હતાં !

 *