પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લીલુડી ધરતી-૨
 


વાલાંમાં વિજોગ પડે !’ આવાં આવાં સ્ફુટઅસ્ફુટ શાપવાક્યો ઉચ્ચારતી સંતુએ તો આંખ મીંચીને જ મઘરપાટમાં ઝુકાવ્યું.

ગોઠણબૂડ પાણીમાં પહોંચતાં સુધીમાં પોતાનાં કપડાં પલળ્યાં એનું સંતુને ભાન નહોતું. એની સ્વગતોક્તિઓ સાંભળીને મઘરપાટમાં સાંધ્યનાન કરી રહેલા રઘાએ પૂછ્યું :

‘શું થયું ? શું થયું ?’

‘દાટ વાળી નાખ્યો—’ સંતુએ પાણીમાં ઉતાવળાં ડગ ભરતા જવાબ આપ્યો.

‘કોણે ? કોણે ?’

‘નખોદિયે મૂવે... એનાં માણહ મરે !’

રઘાનું સાંધ્યસ્નાન થંભી ગયું. નખોદિયો એટલે કોણ, એણે શો દાટ વાળી નાખ્યો, એને વિશે વધારે પૂછપરછ કરી જોઈ, પણ સંતુને કાને રઘાના પ્રશ્નો પહોંચી શકે એમ જ નહોતા, એ તો મઘરપાટનું ઊંડું મધવહેણ પણ ઓળંગીને ક્યારની સામે કાંઠે આંબી ગઈ હતી. એની પાછળ પાછળ દોડી રહેલા ડાઘિયાના ડાંઉ ડાંઉ અવાજો જ જાણે કે રઘાના પ્રશ્નોના સાંકેતિક ઉત્તર બની ૨હ્યા.

આ રઘાને હવે સ્નાનકર્મમાં રસ ન રહ્યો. એને તો ‘દાટ વાળી નાખ્યો’ નો ભાવાર્થ જાણવાની તાલાવેલી થઈ પડી. ‘મૂવો નખોદિયો’ એટલે કોણ ? થાનકવાળા ખેતરના વાડીપડામાં તો ત્રણ જ જણાં કામ કરે છે. : સંતુ, ગોબર ને માંડણ. એમાં દાટ શો વળી જઈ શકે ? આજકાલ તો મોસમ ટાણું પણ નથી કે ઊભી મોલાતમાં કોઈ ભેલાણ કરવા આવે કે ક્યાંય સીમચોરી થાય કે કોઈ ગરીબ ખેડૂત નાં નીરણપૂળા કે કાલરાં સળગાવનારાં નીકળે. ઉજ્જડ ખેતરમાં તો ખોડાં ઢોર પણ પગ નથી મેલતાં, તો સીમચોર તો કોણ નવરા હોય ? તો પછી ‘મૂવો નખોદિયો’ કોણ ? વાડીમાં તો ગોબર ને માંડણ બે જ જણા થઈને દારૂ ફોડે છે. એમાં નખોદિયો કહી શકાય એ ત્રીજો જણ આવ્યો ક્યાંથી ? અરે, માંડણિયો તો હજી થોડી