પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દલ્લી દેખો, બમ્બઈ દેખો !
૧૩૧
 

કુભારજાને ઝટ ગામમાંથી આઠ ગાઉ આઘી કાઢો—’

સાંજ પડી પણ રઘો એના સ્થાન પરથી ઊઠ્યો નહિ તેથી સહુને નવાઈ લાગી.

‘એલા આ ભામણનું ત્રાગું તો બવ લાંબુ હાલ્યું—’

‘પણ ઘીના ઠામમાં ઘી પડી રિયા કેડેય હજી શું કામને ઈ ત્રાગું કરીને બેઠો ?’

‘ઈ તો કિયે છે કે તમે હંધાયે ભેગા થઈને સંતુ ઉપર વીતક વિતાડ્યાં છે એનું હું પ્રાછત કરું છું.’

‘હવે જોયો મોટા પ્રાછત કરનારો ! સો ચુવા મારીને મીંદડી હજ પઢવા હાલી !’

‘ઈ તો બનાવટી બાવો જ બમણી ભભૂત ચોળે ને ?’

‘એનામાં ભામણના દીકરાનાં એકે ય લખણ છે ખરાં ? નાનપણમાં સીમમાં હહલાં ગૂડી મૂડીને મોટો થ્યો, ને હવે હાથમાં માળા લઈને બેઠા છે બગભગત !’

ધારણા તો એવી હતી કે સાંજે નહિ તે મોડી રાતે તો ૨ઘો ઘર ભેગો થઈ જ જશે પણ એણે તો પુત્ર સાથે ભૂખ્યા પેટે ચોરાની ઓસરી ઉપર જ લંબાવી દીધું.

‘લાંઘી લાંઘીને મરી જઈશ, પણ મારા જીવતાં ગામની નિયાણીને આ અનિયા થાતો નહિ ભાળું !’

ભવાનદાની સ્થિતિ હવે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી. અજવાળીકાકીએ એવો ગોળો ગબડાવ્યો કે મેલડીને અભડાવનારીનો ઓછાયો ગામમાંથી આઘો થાય તો પછી પાદરના પિયાવામાંથી પાણી પીવાને કંઈ બાધ નહિ.

‘તો પછી ઈ એાછાયો આઘો કાઢવામાં હવે કોનાં શકન જોવાં બાકી રિયાં છે ?’

‘કે પછી સંતડીને સોંઢાડવાની સારી તથ પુછાવવી છે? તો બરકો શાપરથી કામેસર ગોરને.’