એક તરફ આવી વ્યંગવાણી ઉચ્ચારાઈ રહી ને બીજી તરફ ગામની પાણિયારીઓનો કકળાટ ઊઠ્યો.
‘હવે તો વીરડેથી છાલિયે છાલિયે પાણી ભરીને હાથ દુઃખવા આવ્યા.’
‘પાદરનો જ પાણીશેરડો મેલીને નદીએથી બેડાં નથી સરાતાં અમારાથી.’
‘ને આ દકાળ વરહમાં વીરડામાંય પાણી ક્યાં ઠારી રાખ્યાં છે ? ટબુડી ટબુડી પાણી આછરતાં અડધો પો’ર લાગે છે.’
‘હવે તો આનો કાંઈક નિકાલ કરો તો આ આપદાનો આરો આવે !’
અને આ ‘નિકાલ’ માટે સહુની નજર સ્વાભાવિક જ મુખી તરફ વળી.
‘આ ગુંદાહરના નસીબે મુખી ય કેવા માલ વિનાના જડ્યા છે | ગણાય ગામનું ઢાંકણ, પણ મે’તો મારે ય નહિ ને ભણાવેય નહિ, એવા માથે પડ્યા છે.’
‘મુખીની નામની તો ફેહ ફાટવી જોઈએ ! કોઈની દેન છે કે આવી લબાડીકબાડી કરી જાય ? પણ આપણું ભવાનદા તો સાવ નરછીં મેંતા જેવા જ છે.’
ત્રીજા દિવસની સવાર પડી ને મુખીની સ્થિતિ વધારે વિષમ બની. બે દિવસથી રઘાએ મોઢામાં અનાજનો દાનો ય મૂક્યો નહોતો. ઠાકરેદુવારે દેહ પાડી નાખવા બાબતમાં એ પૂરેપૂરો કૃતનિશ્ચય લાગતો હતો. બીજી બાજુ, સંતુનો ઓછાયો ગામમાંથી દૂર કરવાની માગણી વધારે જોર પકડતી જતી હતી.
જેમ જેમ મુખી રધાને અનશન છોડવાનું સમજાવતા ગયા તેમ તેમ રઘો વધારે મક્કમ બનતો ગયો.
‘સંતુને કહટ આપવામાં તમે પાછું વાળીને નથી જોયું. હવે એને ગામ બહાર કાઢશો તો હું ઠાકુરદુવારને પગથિયે જ પેટકટારી