ખઈને પ્રાણ કાઢી નાખીશ.’
રઘાની આ ધમકી સાંભળીને તો મુખી ઉપરાંત હવે જીવા ખવાસને પણ થોડી ગભરામણ થઈ. ન કરે નારાયણ ને ઠાકરદુવારમાં ભામણના દીકરાનો દેહ પડે તો પછી ઉપાધિનો પાર ન રહે. આ ગભરામણને લોકો વળતી ધમકીઓ રૂપે વ્યક્ત કરી રહ્યા.
‘આ ભામણ તો ભાટચારણથી ય ભૂંડો નીકળ્યો ! આવાં તર્કટી ત્રાગાં ક્યાંય મલકમાં ય સાંભળ્યાંતાં ?’
‘વાંહે કોઈ રોનારી કે ચૂડલો ભાંગનારી નથી એટલે પેટકટારી ખાવાની ભવાઈ સૂઝે છે, ને ગામ આખાને હેરાન કરે છે !’
‘આ તો સાચે જ ભવાઈ કરે છે, ભવાઈ. જિંદગી આખી ભવાયો જ રિયો છે, કંઈ અલકમલકમાં ફર્યો છે ને ને જાત્યભાત્યના વેશ ભજવી આવ્યો છે એટલે હવે આ મરવાનો વેશ લઈને બેઠો છે...’
‘અરે હધું ય મનમાં સમજ્યા જેવું છે. આ રઘલો તો પણે આફ્રિકાના જંગલમાં ઘણા ય સીદી ને આરબાંવને જીવતા મારીને આવ્યો છે. ઈ હવે ગુંદાહરમાં આવીને શું પોતાને હાથે જ મરશે ? રામરામ ભજો !’
‘પણ તો પછે ગામ આખાને કૂચે શું કામ મારે છે ?’
‘ને પોતાને એકલપંડ મરવું હોય ને પેટકટારી ખાવી હોય તે મર ખાતો; પણ ભેગો આ ખોળે લીધેલા પારકા જણ્યાનેય શું કામે ભૂખે મારતો જાય છે ?’
મામલો વધારે ગૂંચવાયો એટલે ગામલોકોએ મુખીને પણ પડતા મૂક્યા ને બધો દોર પોતાના હાથમાં લઈ લીધો.
‘ભવાનદાને ભરોસે રેશું તો તો ખુવારને ખાટલે થૈ જાઈશું. એક સાડલો વીંટનારીને ગામ બાર્ય કાઢવી એમાં તી કયા મોટા વેદ ભણી નાખવા’તા ! એક કતીકો મારશું ઈ ભેગી સીમ વાળોટી જાહે—’