મુખોની ઉપરવટ જઈને પણ ધાર્યું કામ પાર પાડવાનો જીવા ખવાસે નિર્ણય લઈ લીધો, અને એ નિર્ણયનો અમલ કરવા માટેના દિવસ પણ નક્કી કરી નાખ્યો. અમાસને દિવસે અકતો હોય એટલે સહુને આ સાર્વજનિક કામ પાર પાડવાની નવરાશ પણ હોય. વળી એ વેળા મુખી કે રઘો કાંઈ અવરોધ ઊભા કરે તો સામટા માણસો એમને સીધાદોર કરી શકે.
અમાસની એ આગલી રાતે ગુંદાસરમાં જાગરણ જેવું જ થઈ પડ્યું. જાતજાતની અફવાઓ, આગાહીઓ અને અનુમાન થયા કરતાં હતાં. એક અનુમાન એવું હતું કે આજ સુધી મૂંગા રહેલા હાદા પટેલ હવે પોતાનો પરચો બતાવવાના છે. ડેલીને ઊંબરે એ ડોસા કડીઆળી ડાંગ લઈને ઊભા રહેશે અને જે માણસ સંતુને બહાર કાઢવા આવશે એની ખોપરી ફાડી નાખશે.—
એક અફવા એવી હતી કે અગ્નિપરીક્ષાની અને સંતુની હકાલપટ્ટીની સઘળી બાતમી શંકરભાઈ ફોજદારને કાને પહોંચી ગઈ છે, અને સવારના પહોરમાં એ ગામમાં આવીને જીવલાને ને નથુ સોનીને જેર કરશે.
એક આગાહી તો એવી હતી કે સંતુને ગામમાંથી બહાર કાઢશે ત્યારે રઘો ને એનો છોકરો ગિરજો ઝાંપા આડા ઊભા રહેશે. રઘો પહેલવહેલાં ગિરજાને પેટ કટારી પરોવીને એનું લોહી છાંટશે, ને પછી પોતે કટારી ખાઈને ઝાંપા આડે સૂઈ જાશે.
અમાસનું વહાણું વાયું ત્યારે આ ત્રણ અનુમાનોમાંથી એકે ય સાચું ન પડ્યું. એને બદલે ગુંદાસરમાં એક ચોથી જ અણધારી ઘટના જોવા મળી.
બહારગામથી ચાલતી આવેલી એક ડોસી ખભે કાચના ટચૂકડા કબાટ જેવું કશુંક બાંધતી આવી ને ઠાકુરદુવારના ચોકમાં જ એણે