‘શાપરમાં ઘણી ય વાર આવા આવે છે, ને ગામને ધૂતી જાય છે.’
‘એકેક પેસા... એકેક પેસા...’
ભાવતાલ સાંભળીને ઘણા ય પ્રેક્ષકો ભડકી ગયા. આ હરતાફરતા ‘સિનેમા’ની ફી તરીકેનો આખો પેસો મેળવવાનું કામ નાનાં બાળકો માટે મુશ્કેલ હતું. એ હકીકત સમજતાં ડોશીને જરાય ય વાર ન લાગી. તુરત એણે ટિકિટ માટેના રોકડ નાણાંને બદલે વિકલ્પ સૂચવ્યો :
‘છૂટું ફદિયું ન હોય તો અડધો અડધો રોટલો લઈ આવો.’
અને પારધીની જાળમાંથી ફરરરર કરતાં પક્ષીઓ ઊડે એમ આ ટાબરિયાં ઘર ભણી ઊડ્યાં ને થોડી વારમાં તો શિરામણમાંથી વધેલા રોટલા લઈ લઈને આ સિનેમા જોવા આવી પહોંચ્યાં.
ડોશીએ એક ખભે ભરાવેલી ઝોળીમાં એકેક રોટલો નાખીને બાયોસ્કોપનું એકેક ખાનું ખોલવા માડ્યું. પિત્તળની સાંકળ વડે બાંધેલો એકેક ડાબલો ઊઘાડતાં એની અંદરના કાચ ઉપર નજર બાંધીને એકેક ભૂલકું ગોઠવાઈ ગયું. ડોશીએ પટારાને એક છેડે ગોળ ઊભા ભૂંગળા ઉપરનું હેન્ડલ ફેરવવા માંડ્યું અને યંત્રની ભીતરમાં પસાર થતાં દૃશ્યોનું કર્કશ અવાજે વર્ણન કરવા માંડ્યું :
‘વેલાત કા રાજા દેખો.–’
‘દલ્લી કા દરબાર દેખો–’
‘રાની કા હજીરા દેખો–’
‘બમ્બઈ કી બીબી દેખો–’
‘બારા મન કી ધોબન દેખો–’
બાર મણની ધોબણનું દૃશ્ય જોઈને ટાબરિયાં ખડખડાટ હસી પડ્યાં. ‘અરર, આટલી જાડી બાયડી હોય ?’
‘આ તો ભીમની વવ લાગે છ !’
ઘેરો વળીને દૂર ઊભેલાં મોટેરાંઓએ આ બાર મણ વજનવાળી ધોબણનું દૃશ્ય નજરોનજર જોયું નહોતું. છતાં તેઓ વર્ણનમાત્રથી