પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અપરાધ અને આળ
 


વાર પહેલાં જ ગામમાંથી લાડવાનું પડીકું બંધાવીને ડાઘિયાને બુચકારતો બુચકારતો સીમમાં ગયો હતો, ને એટલી વારમાં આ શું થઈ પડ્યું ? ને ડાઘિયો તો ભસતો ભસતો પાછો ગામઢાળો આવતો રહ્યો, તો માંડણિયો ક્યાં રોકાણો ? કે ૫છી એણે સંતુને કાંઈક અટકચાળો કર્યો હશે ને ગોબરે એને ગારદ કરી નાખો હશે !

આવાં આવાં અનેક કુતૂહલો થતાં, ‘ચાલ, ગામમાં જઈને તપાસ કરું.’ એમ કહીને સ્નાનકર્મ આટોપીને રઘો કાંઠે આવ્યો. કાંઠા પર એક પાણા તળે દબાવી રાખેલું કોરું પંચિયું પહેરી લઈને ભીનું પંચિયું હજી તો નિચોવવા જાય છે ત્યાં તો ગામની દિશામાંથી ગોકીરો સંભળાયો. ઝાંપામાં ગામલોકોનું ખાસું ધાડિયું દેખાયું. કાસમ પસાયતાના નામની હાકલ પડી. અને જોતજોતામાં આખું ટોળું ભૂતેશ્વરના આરા લગોલગ આવી પહોંચ્યું. હાદા પટેલ સહુની મોખરે હતા. અંબાભવાની તથા રામભરોસેમાં ટોડાં ભાંગતા બેઠેલા સહુ નવરા ઘરાકો બહાર નીકળી પડ્યા હતા. ઉપરાંત, ગામમાં જેમને જેમને આ દુર્ઘટનાની જાણ થયેલી એ સહુ બનેલો બનાવ નજરે નિહાળવા જતા હતા.

‘માળો માંડણિયો સાવ માથા ફરેલ નીકળ્યો !’

‘હાદા પટેલને તો ધરમ કરવા ગ્યા ને ધાડ પડવા જેવું થ્યું.’

‘માંડણિયે તો જૂનું વેર વાળ્યું—’

હવે રઘાનું કુતૂહલ વધારે ઘેરું બન્યું તેથી પોતે પણ નદીને કાંઠે જેમ તેમ ડગલાં ભરતો ટોળામાં જોડાયો.

સંતુને મોઢેથી સમાચાર સાંભળ્યા પછી આમે ય હાદા પટેલને જાણે કે ‘પગ ભાંગી ગયા’ જેવો અનુભવ થયો હતો. વલ્લભ મેરાઈ ને જેરામ મિસ્ત્રીનો ટેકો લઈને એમણે માંડ માંડ વાડીના ખોડીબારામાં પગ મૂક્યો એ પહેલાં તો જુવાનિયાઓનું વહેલેરું પહોંચી ગયેલું ટોળું વાવને ઘેરી વળ્યું હતું.

સીમમાં સંધ્યા આથમી ગઈ હતી અને અંધારું ઊતરી રહ્યું હતું.