પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
લીલુડી ધરતી–ર
 

 જાય... ના સા’બ ! કાળી મુહરી વેચવાવાળી કે ધોળી વેચવાવાળી કોઈને મેં ભાળી નથી... કાબુલીવાળી ય નહિ ને કલકત્તાવાળી ય નહિ... ગામની પાણિયારી વવદીકરિયું સિવાય કોઈનો આવરોજાવરો આ ઝાંપામાંથી થ્યો જ નથી... એક માતર વખતી ડોહી વગડો કરીને આવી, ઈ જ. કોઈ અજાણ્યું બાઈમાણહ ભાળ્યું જ નથી ને !...’

ઝાંપે મોટર પડી છે કે એમાં શંકરભાઈ ફોજદાર બેઠા છે એવી જાણ થતાં જ ગામમાં ફફડાટ થઈ ગ્યો. ઝાંપા નજીક વસતાં અને ગામ – પરગામમાં ગણેશિયા ભરાવીને લોંટોઝોંટો કરવામાં પાવરધાં એવાં કાંટિયા વરણનાં ખોરડાંઓમાં કેટલાક ચોરાઉ મુદ્દામાલ સગેવગે થવા લાગ્યો. કેટલાક નામચીન અને ‘શકમંદ’ શખસો ફોજદારની બીકે આઘાપાછા થવા લાગ્યા.

બજારના ચોકમાં ભજવાતા નાટક જેવું જ એક બીજું નાટક હાદા ઠુમરની ખડકીમાં ભજવાઈ રહ્યું હતું. જીવો ખવાસ જાણે કે મોઢામાં તરણું લઈને હાદા પટેલને શરણે આવ્યો હતો અને કરગરતો હતો.

‘બાપા ! અટાણે તો તમે જ મને મારો ને તમે જ મને જિવાડો.’

‘મારનારો કે જિવાડનારો તો ઊંચે બેઠો છે, હજાર હાથવાળો. આપણે કાળાં માથાનાં માનવીનું શું ગજું ?’

‘હાદાબાપા ! અટાણે તો તમે જ મારા ભગવાન છો. ભલા થઈને મારો ગનો માફ કરો... આમાં મારો વાંક નથી. હંધુય કોઠું નથુ સોનીએ ઊભું કર્યું તું—’

‘થાવા કાળે થ્યા કરે—’ હાદા પટેલ દાર્શનિકની અદાથી ઉત્તર આપતા હતા.

‘થાવામાં તો હવે શું બાકી રઈ છે ? સોની ને એની સોનારણ્યે થઈને સંતુ ઉપર છાણાં થાપ્યાં છે. બિચાડી જલમદખિયારીને